સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત ૨ ઓક્ટોબરના રોજ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં બીએપીએસ મંદિર, કેશવ કથા કુંજ, યોગી ફાર્મ નડિયાદ ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત બીએપીએસ મંદિરની સામે કેનાલ પર મંત્રી તથા ધારાસભ્યઓ, વહીવટી તંત્રના અધિકારીઓએ સફાઈ કામદારો સાથે જોડાઈને મહાશ્રમદાન દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી.
આ પ્રસંગે કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતુ કે મહાત્મા ગાંધીજીના નકશે કદમ પર ચાલતા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સ્વચ્છ ભારત મિશનની ઝુંબેશ શરૂ કરી છે. સ્વચ્છતા હી સેવા એ ફક્ત સરકારી કાર્યક્રમ ન બનાવી રાખતા જનભાગીદારી દ્વારા તમામ લોકોને સ્વચ્છતાના કાર્યોમાં જોડાવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ અંતર્ગત સફાઈકામદારોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ. સાથે જ નડિયાદની ઉત્તરસંડા ગ્રામ પંચાયત, ગળતેશ્વરની સોનીપુર અને કપડવંજની તોરણા ગ્રામ પંચાયતના સરપંચઓનું સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ.
કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા સંદેશ આપતી શોર્ટ ફિલ્મ નિહાળવામાં આવી હતી. તથા વડાપ્રધાનની અધ્યક્ષતામાં દિલ્લી ખાતે યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યુ હતું. ઉપરાંત બીએપીએસ મંદિરના પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુ હતુ તથા ઉપસ્થિત સૌએ દર વર્ષે સફાઈ માટે ૧૦૦ કલાક શ્રમદાન કરવાના શપથ ગ્રહણ કર્યા હતા.
આ અવસરે નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહેમદાવાદ , માતર, ઠાસરાના ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવા, નિવાસી અધિક કલેક્ટર, નાયબ વન સંરક્ષક, સ્વામિનારાયણ મંદિરના સંત કોઠારી સ્વામી જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં શહેર નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.