નડિયાદ શહેરના ધર્માંતરણ કેસમાં મુખ્ય આરોપી સ્ટીવન મેકવાનને લઈને પોલીસે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સ્ટીવન અને તેની ટીમને વિદેશી ફંડિંગ મળતું હતું અને તેઓ આર્થિક રીતે પછાત તેમજ ભોળા આદિવાસી લોકોનું બ્રેનવોશ કરીને ખ્રિસ્તી ધર્મમાં ધકેલી રહ્યા હતા. પોલીસએ સ્ટીવનના ફોનમાંથી 1.57 લાખથી વધુ ફોટા અને વિડીયો જપ્ત કર્યા છે, જેમાં ધર્માંતરણની વિધિઓ, લોકો સાથેની બેઠક અને પ્રલોભન આપતી સામગ્રી જોવા મળી છે. આ તમામ પુરાવા હાલમાં FSL તપાસ હેઠળ છે.
સ્ટીવન મેકવાનના બેન્ક એકાઉન્ટમાં છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 1.33 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા છે. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે આ રકમ વિદેશી ફંડિંગ રૂપે આવી હતી અને તેનો ઉપયોગ લોકોને લલચાવીને ધર્માંતરણ કરાવવા માટે થતો હતો. આરોપીએ માત્ર નડિયાદ જ નહીં, પરંતુ તાપી, નર્મદા, ભરૂચ, આણંદ ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, હરિયાણા, પંજાબ અને દિલ્હી સુધી પોતાનું જાળ ફેલાવ્યું હતું. તે ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો પર નિશાન સાધતો હતો, તેમની નિરક્ષરતા અને ગરીબીનો લાભ લઈને તેમને ચમત્કારો અને આર્થિક સહાયના વચનો આપીને ધર્માંતરણ કરાવતો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સ્ટીવન અલગ-અલગ વિસ્તારોમાં જઈને પહેલા સમાજ સાથે આત્મીયતા વધારતો, પછી જીવનમાં સુખ-સમૃદ્ધિના દાખલા આપીને લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા પ્રેરતો. તેના સંપર્કમાં રહેલા પાસ્ટરો પ્રાર્થના સભાના નામે લોકો ભેગા કરતા હતા, જે જગ્યાઓ ઘણીવાર ચર્ચ તરીકે નોંધાયેલ પણ ન હતી. ત્યાં લોકોને ધર્માંતરણના ફાયદા વિશે સમજાવ્યા બાદ તેમને સ્ટીવન પાસે મોકલવામાં આવતા હતા, જ્યાં તેઓનું બ્રેનવોશ થતું હતું.
પોલીસે સ્ટીવન પાસેથી મળેલા પુરાવા આધારે જણાવ્યું છે કે તેના એકાઉન્ટમાં માત્ર રકમ જ નહીં પરંતુ પાસ્ટરો સાથે પૈસાની લેવડદેવડના પુરાવા પણ મળ્યા છે. 9 સપ્ટેમ્બર 2025ના રોજ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલા ગુનામાં સ્ટીવન અને તેની સંસ્થા ‘રિસ્ટોલેશન-રિવાઈવલ ફાઉન્ડેશન ટ્રસ્ટ’ના બીજા આરોપી સામે ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ હેઠળ કાર્યવાહી ચાલી રહી છે.
ચોંકાવનારી વાત એ છે કે આ ટ્રસ્ટનું ચેરિટેબલ ઓડિટ પણ નિયમિત રીતે થતું ન હતું, જેના કારણે સમગ્ર નાણાકીય પ્રવૃત્તિ પર પણ પ્રશ્નો ઊભા થયા છે. પોલીસએ ચેરિટી કમિશનરને પણ આ બાબતે માહિતી આપી છે. હાલ પોલીસ સ્ટીવન દ્વારા અત્યાર સુધી કેટલા લોકોનું ધર્માંતરણ કરાવાયું છે અને આ માટે તેને કઈ-કઈ રીતે વિદેશી સહાય મળી છે, તેની સઘન તપાસ કરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel