સમગ્ર નડિયાદ શહેરમાં ભરાઈ રહેલ વરસાદી પાણીનો નિકાલ થઈ ગયો છે ત્યારે દૈનિક સમાચાર પત્રોમાં નડિયાદમા હજુ વરસાદી પાણી ભરાયેલ છે તેવા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવેલ, જેનું ખંડન કરતા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ માહિતી આપી પ્રજાને માહિતગાર કર્યા હતા.
આ બાબતે નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા મિડીયા થકી વાત જણાવેલ કે, સમગ્ર નડિયાદ શહેરમાં છેલ્લા દિવસોમાં ભરાઈ રહેલ વરસાદી પાણીનો નિકાલ થઈ ગયો છે ત્યારે દૈનિક સમાચાર પત્રોમાં પ્રજાને ગેરમાર્ગે દોરવા હકીકત જાણ્યા વગર નડિયાદમા હજુ વરસાદી પાણી ભરાયેલ છે તેવા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, જે પાયાવિહોણા છે અને આ બધી વાતોથી નગરજનોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. સ્વાભાવિક છે કે, વધુ ભારે વરસાદ પડવાથી શહેર નજીકથી પસાર થતી કાંસોમા પાણી જતા વાર લાગે, દુનિયાના અન્ય દેશોમાં પણ વરસાદને કારણે લોકો અસરગ્રસ્ત થતા હોય છે, ત્યારે ગુજરાત હોય કે નડિયાદ તે પણ બાકાત ન રહી શકે. ગત દિવસોમાં શહેરમાં પડેલા વરસાદને પગલે પાણી ભરાયાં હતાં, પરંતુ તેનો સર્વે કરી નિકાલ કરવામાં આવ્યો છે. જેથી સમાચારપત્રોમા છાપવામાં આવેલ સમાચાર પાયાવિહોણા છે.