જનપ્રતિનિધિઓ દ્વારા સંકલન બેઠકમાં રજૂ કરાયેલા કામો પ્રશ્નોનો અમલીકરણ અધિકારીઓ આયોજન કામોમાં સમાવી કાયમી ઉકેલ લાવે
નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી એસ. કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. એ બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લાના પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ ઉપસ્થિત રહીને રજૂ કરાયેલા લોક પ્રશ્નો અને થયેલી કામગીરી તથા બાકી કામો અંગેની સંકલનના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.
માર્ગ મકાન વિભાગના રોડ રસ્તાના રીપેરિંગ-પેચવર્ક, જમીન સંપાદનની કામગીરી, ખેતીવાડી વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન ખેડૂતોના પાકને થયેલ નુકશાનના સર્વેની બાબત, શાળાના ઓરડાનું યોગ્ય ટેન્ડરિંગ કરીને મકાન બાંધકામ કરી ઓરડા તૈયાર કરવાની કામગીરી, આધાર કાર્ડ કિટ મંગાવીને અપડેશન, એકલવ્ય શાળામાં બાળકોને શાકભાજી પહોંચાડતી એજન્સી આસપાસના ચાર જિલ્લામાંથી લોકલ રાખવી, દેડિયાપાડા હોસ્પિટલમાં એક્સ રે ટેક્નિશિયન મુકવામાં આવ્યા છે પણ હજી નિષ્ણાંત ડોક્ટરોની ભરતી અને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ સમયમર્યાદામાં કરીને લોકોને પોતાના સ્વજનનો મૃતદેહ સોંપવાની બાબત સહિત નલ સે જલ યોજનામાં કામો ગુણવત્તાવાળા કરવા પર ભાર મુકીને જનપ્રતિનિધિઓને જાણ કરવી સાથે રાખવા અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.
આરોગ્ય, શિક્ષણ સહિત વીજ કનેક્શન, પીએમ કુસુમ યોજના તેમજ બીપીએલ સર્વે કરવા તેમજ વૃદ્ધ પેન્શન યોજના અને અંત્યોદય યોજના હેઠળ અનાજ, સરકારશ્રીની યોજનાઓ સહિત બેન્કિંગ લોન સંદર્ભે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરીને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો સંદર્ભે કલેક્ટર મોદીએ પડતર પ્રશ્નો ઝડપી ઉકેલવા અને વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી. સંકલન બેઠક બાદ નાગરિક પુરવઠા અને જમીન સંપાદન, રોડ સેફ્ટી સહિતની વિવિધ બેઠકો યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, નાયબ વન સંરક્ષક નિરજ કુમાર, નાયબ વન સંરક્ષક મિતેશભાઈ પટેલ (સામાજિક વનીકરણ), પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર શ્રી સી. કે. ઉંધાડ, નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન. એફ. વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. કે. જાદવ અને જિલ્લા-તાલુકાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ સંકલન બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.