ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડિંગ કરતા ઈતિહાસ રચ્યો હતો અને આ મિશનની સફળતા માટે ભારતને ચારેતરફથી પ્રશંશા મળી રહી છે ત્યારે હવે નાસાના ચીફે પણ આ મિશનની સફળતા માટે ઈસરોની પ્રશંસા કરી છે.
ભારતે એવું કામ કર્યું છે જે અન્ય કોઈ દેશે કર્યું નથી : બિલ નેલ્સન
ભારતના ચંદ્રયાન-3 મિશનની સફળતા પર નાસાના ચીફ બિલ નેલ્સને ગઈકાલે મુંબઈમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે ભારતે એવું કામ કર્યું છે જે અન્ય કોઈ દેશે કર્યું નથી અને ભારત આ ઐતિહાસિક સિદ્ધિ માટે સંપૂર્ણ પ્રશંસાને પાત્ર છે. તેમણે કહ્યું કે ‘ભારતને મારા અભિનંદન’. તમે ચંદ્રના દક્ષિણ ધ્રુવની આસપાસ ઉતરાણ કરનાર પ્રથમ દેશ છો, અમારી પાસે એક કોમર્શિયલ લેન્ડર હશે જે આવતા વર્ષે ઉતરશે, પરંતુ અહીં ઉતરનાર ભારત પહેલું હતું. અન્ય દેશોએ પણ ઘણા પ્રયાસ કર્યા પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા, પરંતુ ભારતે સફળતા હાંસલ કરી હતી. આ સિદ્ધિ માટે તમે બધા વખાણના હકદાર છો, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
NISAR શું છે?
આ ઉપરાંત બિલ નેલ્સને NISAR વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે ચાર મહત્વપૂર્ણ ઓબ્જર્વેટરીઓ સાથે 3D કમ્પોઝિટ મોડલ તૈયાર કરવામાં આવ્યું છે જે પૃથ્વી પર ખરેખર શું થઈ રહ્યું છે તે શોધી કાઢશે. નેલ્સને કહ્યું કે, આ ભારત સરકાર સાથે એક મહત્વપૂર્ણ ઓબ્જર્વેટરી છે. અહીં ચાર મુખ્ય ઓબ્જર્વેટરીઓ છે. એકવાર જ્યારે આપણે કક્ષામાં પહેલાંથી જ મોજૂદ 25 અંતરીક્ષ યાનોની સાથે ચારેયને ઉપર લઈ જઈશું, ત્યારે અમારી પાસે એક સંપૂર્ણ 3D કમ્પોઝિટ મોડલ હશે, જે પૃથ્વી પર ખરેખર શું થઈ રહ્યું છેતેનો સંપૂર્ણ 3D ડેટા હશે. અમે અમારા ઘરને સાચવવા માંગીએ છીએ.