દેશમાં સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનોની સંખ્યા સતત વધી રહી છે. ટૂંક સમયમાં જ દેશને વધુ 5 વંદે ભારત ટ્રેનની ભેટ મળી શકે છે. સરકાર આ અઠવાડિયે વધુ 5 વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ સાથે ભારતમાં વંદે ભારત સેમી-હાઈ ટ્રેનોની સંખ્યા વધીને 23 થઈ જશે. તેનાથી વિવિધ રાજ્યોના લોકોને ફાયદો થશે. પીએમ મોદી મંગળવારે 5 નવી ટ્રેનોને લીલી ઝંડી આપશે.
જણાવી દઈએ કે, આ અઠવાડિયે જે 5 ટ્રેનો શરૂ થવા જઈ રહી છે, તેમાંથી એક ટ્રેન બિહારને મળવા જઈ રહી છે. આ ટ્રેનોને આજે જ રેકમાંથી બહાર કાઢીને રાંચી લઈ જવામાં આવશે. આવતીકાલે સવારે 10.30 વાગ્યે પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટ્રેનોને લીલી ઝંડી બતાવશે.
ઈન્દોર-ભોપાલ વંદે ભારત
આ અઠવાડિયે ભોપાલને વંદે ભારતની ભેટ મળશે. જેને મંગળવારે સવારે 10.30 કલાકે વડાપ્રધાન મોદી ફ્લેગ ઓફ કરશે. આ ટ્રેન દરરોજ સવારે 6.30 વાગ્યે ઈન્દોરથી ઉપડશે અને 9.35 વાગ્યે ભોપાલ પહોંચશે. ઇન્દોરથી ભોપાલ સુધીની સફર સેમી હાઇ સ્પીડ ટ્રેન દ્વારા 4 કલાકમાં પૂર્ણ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. રવિવારે ટ્રેન નહીં દોડે, આ દિવસે ટ્રેનનું મેન્ટેનન્સ કામ કરવામાં આવશે. ટ્રેન શરૂ થવાથી ભોપાલના લોકો સરળતાથી ઉજ્જૈન મહાકાલના દર્શન કરી શકશે.
જબલપુરને વંદે ભારત ટ્રેન મળશે
જબલપુરના લોકોને આ અઠવાડિયે વંદે ભારત ટ્રેન પણ મળી શકે છે. આ ટ્રેન સવારે 6 વાગે જબલપુરથી ઉપડશે અને નરસિંગપુર, પીપરિયા, નર્મદાપુરમ થઈને રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન પર સવારે 10.35 કલાકે પહોંચશે. આ જ ટ્રેન અહીંથી સાંજે 7 વાગ્યે ઉપડશે અને 11.35 વાગ્યે જબલપુર પહોંચશે.
અન્ય આ વંદે ભારત ટ્રેનો પણ મળશે
આ ઉપરાંત બિહારને આવતીકાલે પ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેનની ભેટ પણ મળશે. પટના-રાંચી વંદે ભારત એક્સપ્રેસ ટૂંક સમયમાં બિહારમાં દોડતી જોવા મળશે. તે જ સમયે, બેંગ્લોર-ધારવાડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને CSMT-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ પણ આવતીકાલે શરૂ કરવામાં આવશે.