નેશનલ સિક્યોરિટી એજન્સી એ ગેંગસ્ટર અને ખાલિસ્તાનીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. NIA દ્વારા સાત રાજ્યોમાં 53 સ્થળોએ ખાલિસ્તાની વિરુધ દરોડા પાડ્યા છે. NIAએ આજે સવારથી જ કાર્યવાહી હાથ ધરી હતી જે લગભગ આખો દિવસ ચાલી છે. પંજાબ, દિલ્હી, હરિયાણા, યુપી, રાજસ્થાન, ઉત્તરાખંડ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન પિસ્તોલ, દારૂગોળો, મોટી સંખ્યામાં ડિજિટલ ઉપકરણો અને ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. આ દરોડામાં અર્શ દલ્લા ઉપરાંત કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, સુખા દુનાકે, હેરી મૌર, નરેન્દ્ર ઉર્ફે લાલી, કાલા જેથેરી, દીપક ટીનુ વગેરેનો પણ NIA તપાસના દાયરામાં સમાવેશ કરાયો હતો.
અત્યાર સુધીમાં સાત વખત આ પ્રકારની કાર્યવાહી કરાઈ
ગયા વર્ષે ઓગસ્ટ પછીથી અત્યાર સુધીમાં NIAએ પાંચ કેસ નોંધ્યા, જેમાં અત્યાર સુધીમાં સાત વખત આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસોમાં હત્યાનું કાવતરું, ખાલિસ્તાન તરફી સંગઠનોને ટેરર ફંડિંગ, ખંડણી વગેરે સાથે સંબંધિત છે. ઘણા આરોપીઓ પાકિસ્તાન, કેનેડા, મલેશિયા, પોર્ટુગલ જેવી વિવિધ જેલોમાં કેદ છે અને બાકીના વિવિધ વિદેશી દેશોમાંથી કામ કરી રહ્યા છે.
પકડાયેલા ખાલિસ્તાનીઓએ ખુલાસો કર્યો હતો
NIAની તપાસમાં ખાલિસ્તાન-ISI અને ગેંગસ્ટરની સાંઠગાંઠ અંગે ઘણા ઈનપુટ એકત્ર થયા છે. અત્યાર સુધી ધરપકડ કરાયેલા ગેંગસ્ટરો અને ખાલિસ્તાનીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે ગેંગસ્ટર-ખાલિસ્તાની સાંઠગાંઠનો ઉપયોગ ટેરર ફંડિંગ, હથિયારોની સપ્લાય તેમજ વિદેશી ધરતી પરથી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે થઈ રહ્યો હતો. NIAએ હવે ખાલિસ્તાની સમર્થકો અને વિદેશી ધરતી પરથી ઓપરેટ કરતા ગેંગસ્ટરો પર મોટો હુમલો શરૂ કર્યો છે.