નેશનલ સિક્યોરિટી એજન્સી (NIA)એ ગેંગસ્ટર અને ખાલિસ્તાનીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. NIAએ પંજાબ (Punjab), હરિયાણા (haryana), રાજસ્થાન (Rajasthan), દિલ્હી એનસીઆર (Delhi-NCR), ઉત્તરાખંડ (Uttarakhand) અને ઉત્તર પ્રદેશ (Uttar pradesh)માં લગભગ 50 સ્થળોએ દરોડા (NIA Raid) પાડ્યા હતા. NIA આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ ડીલરો વચ્ચેની સાંઠગાંઠને ખતમ કરવા માટે સતત કાર્યવાહી કરી રહી છે. આ કાર્યવાહી એવા સમયે થઈ રહી છે જ્યારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડા અને ભારત વચ્ચે તણાવ વધી ગયો છે.
દરોડાની કાર્યવાહી યથાવત્
NIAની ટીમે પંજાબમાં સૌથી વધુ 30 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી હતી. જ્યારે રાજસ્થાનમાં 13, હરિયાણામાં 4, ઉત્તરાખંડમાં 2, દિલ્હી-એનસીઆર અને યુપીમાં 1-1 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશમાં બેઠેલા ખાલિસ્તાની અને ગેંગસ્ટર હવાલા ચેનલ દ્વારા ભારતમાં ગ્રાઉન્ડ વર્કર્સને ડ્રગ્સ અને હથિયારો માટે ફંડિંગ કરી રહ્યા છે. ગેંગસ્ટર-ખાલિસ્તાનીઓની આ ફંડિંગ ચેઈનને ખતમ કરવા NIAની કાર્યવાહી ચાલી રહી છે.
પકડાયેલા ખાલિસ્તાનીઓએ ખુલાસો કર્યો હતો
NIAની તપાસમાં ખાલિસ્તાન-ISI અને ગેંગસ્ટરની સાંઠગાંઠ અંગે ઘણા ઈનપુટ એકત્ર થયા છે. અત્યાર સુધી ધરપકડ કરાયેલા ગેંગસ્ટરો અને ખાલિસ્તાનીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે ગેંગસ્ટર-ખાલિસ્તાની સાંઠગાંઠનો ઉપયોગ ટેરર ફંડિંગ, હથિયારોની સપ્લાય તેમજ વિદેશી ધરતી પરથી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે થઈ રહ્યો હતો. NIAએ હવે ખાલિસ્તાની સમર્થકો અને વિદેશી ધરતી પરથી ઓપરેટ કરતા ગેંગસ્ટરો પર મોટો હુમલો શરૂ કર્યો છે.