KDCC બેંક તરીકે જાણીતી ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિ.ની નડિયાદ શાખા ખાતે બેંકના પ્રથમ એટીએમ મશીનનું લોકાર્પણ કરવામા આવ્યું છે.
KDCC બેંક દ્વારા ટેક્નોલોજીકલ અપગ્રેડેશનને પરિણામે ગ્રાહકોને ઝડપી સેવાઓ મળી રહી છે. બેંકના કર્મનિષ્ઠ ચેરમેન તેજસકુમાર બી પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કેડીસીસી બેંકના ડિજિટલાઇઝેશન સાથે ગ્રાહકોની સુવિધા અને સરળતા અર્થે અનેકવિધ પહેલ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત નડિયાદ શાખા ખાતે પ્રથમ એટીએમ મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
કેડીસીસી બેંકની નડિયાદમાં ઘોડિયા બજાર સ્થિત શાખા પર પ્રથમ એટીએમ મશીનનું લોકાર્પણ નડિયાદના ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ, કેડીસીસી બેંકના ચેરમેન તેજસકુમાર બી.પટેલ, વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, બેંકના ડિરેક્ટર્સ સહિત અગ્રણીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
કેડીસીસી બેંકના ચેરમેન તેજસકુમાર બી પટેલે જણાવ્યું કે ગ્રાહકોની સુવિધાઓમાં વધારો કરવા સાથે ઝડપથી સેવાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી હવે નડિયાદ શાખા ખાતે પ્રથમ એટીએમ મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નડિયાદમાં ઘોડિયા બજાર સ્થિત શાખા ખાતે એટીએમ મશીનની સુવિધાથી ગ્રાહકો માટે પૈસાનો ઉપાડ અને પૈસા જમા કરાવવામાં સરળતા રહેશે તેમજ વધુમાં વધુ લોકો આ એટીએમ મશીનની સુવિધાનો લાભ લઇ શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેડીસીસી બેંક દ્વારા ખાતેદારોને એટીએમ-ડેબિટ કાર્ડની સુવિધા આપવામાં આવે છે. જેની માટે કેડીસીસી બેંક દ્વારા અન્ય બેંક સાથે એટીએમ મશીનના ઉપયોગ માટે જોડાણ કર્યુ હોવાથી ચાર્જીસ ચૂકવવા પડતા હતા. હવે કેડીસીસી બેંકના પોતાના એટીએમ મશીનની સુવિધાથી બેંકને થતાં ખર્ચાને ઘટાડી શકાશે તેમજ બેંકના ખાતેદારો અને ગ્રાહકોને પણ નાણાંના ઉપાડ માટે કેડીસીસી બેંકના પોતાના એટીએમ મશીનની સુવિધાથી વધુ સરળતતા રહેશે. આગામી દિવસોમાં વધુ સ્થળોએ કેડીસીસી બેંકના એટીએમ મશીનની સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ચેરમેન તેજસકુમાર બી પટેલે જણાવ્યું કે બેંક દ્વારા આધાર અનેબલ પેમેન્ટ સર્વિસ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત ગ્રાહકો અને ખાતેદારોને ત્વરિત અને સ્થળ પર બેન્કિંગ સેવા આપવામાં આવશે. આ સેવા શરૂ થવાથી ગ્રાહકો અને ખાતેદારોને રોકડ વ્યવહાર માટે એટીએમ કાર્ડ હોવું જરૂરી નથી પરંતુ આધાર કાર્ડ નંબર ખાતા સાથે લીંક કરેલ હોવાથી ગ્રાહકો અને ખાતેદારોને તેમના બાયોમેટ્રિકના આધારે જ રોકડ વ્યવહાર કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા માટેની પણ કવાયત હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel