કપડવંજ કેળવણી મંડળ યુથ ફોરમ દ્વારા બેડમિન્ટન રમતના વિકાસના મુખ્ય ઉદેશ્ય સાથે આયોજિત સ્વ.ડો.પિનાકીન ડી.શાહ ઓપન કપડવંજ બેડમિન્ટન સ્પર્ધાનો ઉદ્દઘાટન સમારંભ કોલેજ સ્થિત શ્રી પ્રદીપ પરીખ અને દાણી ફાઉન્ડેશન બેડમિન્ટન હોલ ખાતે યોજાયો હતો. સ્વ.ડો.પિનાકીન ડી.શાહના પુત્રી પૂનમ શાહના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ સ્પર્ધાને ખુલ્લી મુકવામાં આવી હતી.આ પ્રસંગે કપડવંજ કેળવણી મંડળના મંત્રી ગોપાલ શાહ, કોષાધ્યક્ષ ગૌતમ પટેલ, સાયન્સ કોલેજના ફીજીકલ એજ્યુકેશન ડાયરેક્ટર ડો.જગજીતસિંહ ચૌહાણ,સ્પર્ધાના કન્વીનર જીત સારું, સુરેશ રાજગોર તેમજ મોટી સંખ્યામાં ભાગ લીધેલ ખેલાડીઓ, જુદી-જુદી શાળા,કોલેજના ટીમ મેનેજર અને વાલીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે પોતાના પિતાશ્રીને યાદ કરતા પૂનમ શાહે સૌ સ્પર્ધકોને જીવનમાં રમત-ગમતનું મહત્વ સમજાવી પોતાના દૈનિક સમયપત્રકમાં બેડમિન્ટન રમતને સ્થાન આપી ખેલદિલી, હિમત,અટલ નિર્ણયશક્તિ અને સ્વયંશિસ્તના ગુણો વિકસાવવા અપીલ કરી હતી. ગોપાલ શાહ અને ગૌતમ પટેલ દ્વારા ખેલાડીઓને સ્પર્ધામાં સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતા ડો.જે.આર. ચૌહાણે માહિતી આપી હતી કે સતત દશમાં વર્ષે આયોજિત આ સ્પર્ધામાં કપડવંજ નગરની કુલ ૧૮ શૈક્ષણિક સંસ્થાઓના પાંચસો જેટલા સ્પર્ધકો ભાગ લઇ રહ્યા છે. કપડવંજ કેળવણી મંડળ દ્વારા વર્ષ ૨૦૦૧ થી બેડમિન્ટન રમતના વિકાસના માટે દર વર્ષે બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, અને ૨૦૧૪ થી વાર્ષિક ધોરણે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે અને અત્યાર સુધી આ સ્પર્ધાઓના માધ્યમથી શાળા કોલેજના અનેક વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધાઓમાં કપડવંજનું પ્રતિનિધિત્વ કરી યુથ ફોરમની રચનાના મુખ્ય હેતુને ચરિતાર્થ કરી ચુક્યા છે.સતત ત્રણ દિવસ ચાલનાર આ સ્પર્ધાના વિજેતાઓને શાહ પરિવાર તરફથી મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.