દેશમાં આજે પાંચમાં તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. છેલ્લા બે તબક્કાનું મતદાન હજુ બાકી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધુઆંધાર પ્રચાર કરી રહ્યા છે. એટલું જ નહીં પીએમ મોદી સતત અલગ અલગ ખાનગી ટીવી ચેનલો અને મીડિયા સંસ્થાઓને ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે, જેમાં તેઓ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ખુલીને વાત કરી રહ્યા છે. હવે પીએમ મોદીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન વિપક્ષી પાર્ટીઓ પર હુમલો કર્યો છે અને ચૂંટણી પરિણામોને લઈને પોતાની અપેક્ષાઓ પણ વ્યક્ત કરી છે.
પીએમ મોદીએ મુસ્લિમ વસ્તીને લઇને કહ્યું કે ભાજપ ક્યારેય લઘુમતીઓની વિરુદ્ધમાં રહ્યો નથી. તે ફક્ત આજે જ નહીં પરંતુ હંમેશાથી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે અમે બધાને સાથે લઈને ચાલવા માંગીએ છીએ. અમે કોઈને પણ વિશેષ નાગરિક તરીકે માનવા તૈયાર નથી, પરંતુ દરેકને સમાન માનીએ છીએ.
કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન ખાતું ખોલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે
પાંચ તબક્કાના મતદાન બાદ પોતાના આકલનને લઈને પીએમ મોદીએ કહ્યુ કે ચૂંટણીના પહેલાના તબક્કાઓના બધા આકલનો દર્શાવે છે કે એનડીએની સ્થિતિ મજબૂત છે. જ્યારે કોંગ્રેસ ઇન્ડી ગઠબંધન સાથે કેટલાક રાજ્યોમાં પોતાનુ ખાતુ ખોલવા માટે સંઘર્ષ કરી રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે લોકોના આશીર્વાદ અમને રેકોર્ડ તોડ જનાદેશ સુધી લઈ જશે. તેમણે કહ્યું અમને દેશના તમામ ભાગોમાંથી ખાસ કરીને દક્ષિણ અને પૂર્વમાંથી વધુ બેઠકો જોવા મળશે. એનડીએ 400 બેઠકો મેળવવા તરફ આગળ વધી રહ્યું છે.
ભાજપનો વોટ શેર વધશે
પીએમ મોદીએ કહ્યું કે 2019માં ભાજપ દક્ષિણની સૌથી મોટી પાર્ટી હતી અને આ વખતે પણ અમે દક્ષિણ ભારતની સૌથી મોટી પાર્ટી બનીશું અને તેને ગત વખત કરતા મોટા માર્જિનથી ફાયદો થશે. અમારા વોટ શેરમાં અભૂતપૂર્વ વધારો જોવા મળશે.
પીએમ મોદીએ કહ્યું કે ભગવો કોરિડોર ક્યાં હશે
પીએમ મોદીએ કહ્યું કે હું હંમેશાં કહું છું કે પૂર્વીય ભારત પાસે સૌથી મોટું વિકાસ એન્જિન બનવાની અપાર સંભાવના છે, પરંતુ કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારો તેમજ આ ક્ષેત્રના રાજ્યો પર શાસન કરી રહેલા પક્ષોએ તેની સૌથી વધુ ઉપેક્ષા કરી છે. પીએમે કહ્યું કે તથાકથિત ‘લાલ ગલિયારા’ આ ચૂંટણીમાં ‘ભગવા ગલિયારા’ બની જશે.
સંવિધાનમાં ફેરફાર વિશે શું કહ્યું
સતત સવાલો ઉઠી રહ્યા છે કે શું ભાજપ 400 સીટો મળ્યા બાદ સંવિધાનમાં ફેરફાર કરશે? આજે પણ પીએમ મોદીએ આ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે મોદી બાબા સાહેબના બંધારણથી બન્યા છે અને તેમને તેમાંથી શક્તિ મળે છે. સંવિધાન વગર મારી સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિનો કોઈ પણ વ્યક્તિ અહીં સુધી ક્યારેય પહોંચી શક્યો ન હોત. તેથી જો તમે એમ માની લો કે હું સ્વાર્થી રીતે કાર્ય કરું છું, તો પણ મારું પોતાનું કલ્યાણ બંધારણના કલ્યાણમાં રહેલું છે. અનામતને લઈને પીએમ મોદીએ કહ્યું કે એસસી, એસટી અને ઓબીસી અનામત અંગે અમે કંઈ પણ નકારાત્મક કરવા જઈ રહ્યા છીએ તેવો દાવો હાસ્યાસ્પદ અને વાહિયાત છે.
અદાણી-અંબાણીનો ઉલ્લેખ
હાલમાં જ પીએમ મોદીએ બિઝનેસમેન મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે કદાચ કોંગ્રેસને અદાણી તરફથી આર્થિક મદદ મળી છે, જેના કારણે હવે તેઓ અદાણીનું નામ નથી લઈ રહ્યા. આજે આ મુદ્દે પૂછવામાં આવતા પીએમ મોદીએ કહ્યું હતું કે મારા વાતને કોઇ અન્યએ નહીં પણ લોકસભામાં કોંગ્રેસના નેતાએ તરત જ માન્ય કરી હતી. અધીર રંજન ચૌધરીએ કબૂલ્યું હતું કે અદાણી-અંબાણી ટેમ્પોમાં પૈસા મોકલશે તો તેઓ તેમની વિરુદ્ધ બોલશે નહીં.
પાકિસ્તાન કોંગ્રેસના અભિયાનનું સમર્થન કરી રહ્યું છે
પીએમ મોદીએ કહ્યું કે મારા કાર્યકાળ દરમિયાન એક લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. ભ્રષ્ટાચાર સામેની લડાઈ ગંભીર છે, આપણે આપણી એજન્સીઓને કોઈ પણ પ્રકારની દખલગીરી વિના તેમનું કામ કરવા દેવું જોઈએ. તેમણે કહ્યું કે પાકિસ્તાન વિરોધી પક્ષોના ચૂંટણી પ્રચારનો ભાગ રહ્યું છે. પાકિસ્તાની રાજકારણીઓ કોંગ્રેસ પાર્ટીના શહેઝાદાને ટેકો આપીને ભારતના ચૂંટણી પ્રવચનમાં પ્રવેશ કરી રહ્યા છે. કદાચ કોંગ્રેસ પાર્ટીને લાગે છે કે આવા સમર્થનથી તેને ફાયદો થશે. આ રીતે તેઓ જમીની વાસ્તવિકતાથી વિખૂટા પડી જાય છે.
જમ્મુ-કાશ્મીર વિશે જણાવ્યો પ્લાન
જમ્મુ-કાશ્મીર માટેની યોજના અંગે પીએમ મોદીએ કહ્યું કે 2024માં જમ્મુ-કાશ્મીરમાં થયેલી ચૂંટણીએ લોકતાંત્રિક મંજૂરીની સ્પષ્ટ મહોર લગાવવાનું કામ કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અમે જમ્મુ-કાશ્મીરનું નિર્માણ કરવા માંગીએ છીએ, જ્યાં હિંસા એ ઇતિહાસ હોય, સમૃદ્ધિ જ નિયતિ હોય. કાશ્મીર માટે આ અમારી લાંબા ગાળાની રણનીતિ છે. રાજ્યનો દરજ્જો પુન:સ્થાપિત કરવો એ અમારો ગંભીર વચન છે અને અમે તેની સાથે ઉભા છીએ. અમે યોગ્ય પરિસ્થિતિઓ બનાવવા માટે ખૂબ જ સખત મહેનત કરી રહ્યા છીએ જેથી આ કાર્ય ઝડપથી થઈ શકે.
બેરોજગારી પર શું રહ્યો પીએમ મોદીનો તર્ક
બરોજગારી પર પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આપણાં યુવાનો માટે વધુને વધુ તકો ઊભી કરવામાં અમારો ટ્રેક રેકોર્ડ અગાઉની સરકારોની સરખામણીમાં શ્રેષ્ઠ રહ્યો છે. આનું કારણ એ છે કે અમે વિસ્તૃત, બહુ-ક્ષેત્રીય અભિગમ સાથે કામ કર્યું છે, જેનો ઉદ્દેશ દુનિયાને ભારતની ઘરઆંગણે ઉપલબ્ધ શ્રેષ્ઠ તકો પ્રદાન કરવાનો છે.