આગામી 10 વર્ષમાં તૈયાર થશે 1200 જેટલા લોકોમોટિવ એન્જિન
દાહોદ ખાતે પીપીપી મૉડલ પર તૈયાર થયેલા રેલ કારખાનામાં 10 વર્ષમાં 1200 એન્જિન તૈયાર કરવામાં થશે અને ભવિષ્યમાં તેને દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવશે. દાહોદમાં બનેલા લોકોમોટિવ એન્જિનને આગામી સમયમાં 100% મેઇક ઇન ઇન્ડિયાના તર્જ પર બનાવવામાં આવશે. આ લોકોમોટિવ એન્જિનની ખાસિયત એ છે કે, તે 4600 ટનના કાર્ગો વહન કરવાની ક્ષમતા ધરાવે છે.
એન્જિનમાં પ્રથમ વખત ચાલક માટે એસી તેમજ ટોયલેટ મૂકવામાં આવ્યા છે. આ સાથે દુર્ઘટનાથી બચવા માટે કવર સિસ્ટમ પહેલેથી જ લગાવવામાં આવ્યા છે. દાહોદમાં 20 હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલા રેલ કારખાનામાં આગામી 10 વર્ષમાં 1200 જેટલા લોકોમોટીવ એન્જિન તૈયાર થવાના છે. દાહોદમાં હાલ 4 એન્જિન હમણાં તૈયાર થઇ રહ્યા છે. આ તમામ એન્જિન ઉપર મેન્યુફેકચરિંગ બાય દાહોદ લખાશે.
સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે, રોજગારીનું માધ્યમ બનશે
આ પ્રોજેક્ટના પગલે દાહોદ સહિતના વિસ્તારોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10 હજાર માનવીઓને રોજગારી મળશે તેમજ સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળશે. આ ઉપરાંત, સૌથી નીચા બીડર તરીકે બહાર આવેલી મલ્ટિનેશનલ કંપની દ્વારા રેવે એન્જિનના ઉત્પાદન માટે વિવિધ ચીજોની જરૂરિયાત માટે પાવર સેકટર, એન્જિનિયરિંગ સેકટરની નાની-મોટી કંપનીઓ માટે પણ ચીજ વસ્તુઓ પૂરી પાડવા માટે તક ઊભી થશે.
ઉલ્લેખનીય છે કે, 9000 એચપીના 6 એક્સલવાળા ઇલેક્ટ્રિક એન્જિનની સરેરાશ ઝડપ 75 કિ.મી. કલાક રહેશે. પશ્ચિમ બંગાળના ખડગપુર, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, છત્તીસગઢના રાયપુર અને મહારાષ્ટ્રના પૂણે ડેપોમાં આ એન્જિનનું મેઇન્ટેનન્સ કરવામાં આવશે.