17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશા પ્રવાસ પર હતા. આ દરમિયાન તેઓ રાજ્યના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મળ્યા હતા. આ સિવાય ઓડિશાની મહિલાઓ માટે સુભદ્રા યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના રાજ્યની મહિલા કેન્દ્રિત યોજના છે. ઉપરાંત PM મોદીએ રાજ્યમાં ₹3,800 કરોડથી વધુ મૂલ્યના રેલવે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું અનાવરણ પણ કર્યું હતું.
ઓડિશા પ્રવાસ દરમિયાન PM મોદીએ રાજ્યમાં ₹2,871 કરોડના મૂલ્યના રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ ઉપરાંત ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે એક કાર્યક્રમમાં ₹1,000 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. PM મોદીએ NDA સરકારની 100 દિવસની ઉપલબ્ધિઓ ગણાવી. સાથે જ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દ્વારા જાતિગત જનગણના પર કરવામાં આવી રહેલી રાજનીતિની સખત નિંદા કરી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીએ હૈદરાબાદ મુક્તિ દિવસની યાદ અપાવતા ગણેશ ઉત્સવના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે દેશની આઝાદીમાં ગણેશ ઉત્સવની મોટી ભૂમિકા છે. આ સિવાય PM મોદીએ ઓડિશાની મહિલાઓ માટે સુભદ્રા યોજના નામક યોજનાની પણ શરૂઆત કરી હતી. જેનો ઉદેશ્ય મહિલાઓને સક્ષમ બનાવવાનો છે.
શું છે સુભદ્રા યોજના?
PM મોદીએ ઓડિશા ખાતે શરૂ કરેલા સુભદ્રા યોજના રાજ્યની મહિલાઓને આર્થિક અને સામાજિક સ્તરે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. સુભદ્રા યોજના આગામી પાંચ વર્ષ (2024-25 થી 2028-29) માટે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્યની મહિલાઓને બે હપ્તામાં વાર્ષિક ₹10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. સુભદ્રા યોજનાનો લાભ 21 થી 60 વર્ષની વયની મહિલાઓને આપવામાં આવશે.
કઈ મહિલાઓને મળશે યોજનાનો લાભ
આ યોજનાનો લાભ ફક્ત તે મહિલાઓને જ મળશે જેઓ ઓડિશાના વતની છે.
યોજનાનો લાભ મેળવવા માટે, મહિલાઓનું નામ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) અથવા રાજ્ય ખાદ્ય સુરક્ષા યોજના (SFSS) હેઠળ રાશન કાર્ડમાં લિંક હોવું આવશ્યક છે.
સુભદ્રા યોજનાનો લાભ તે મહિલાઓને જ મળશે જેમના પરિવારની વાર્ષિક આવક ₹2.50 લાખથી વધુ નથી.
યોજના માટે આવેદન ભરવા જરૂરી છે.
યોજના માટે કેવી રીતે ભરી શકાશે આવેદન?
યોજના માટે ઓનલાઈન અરજી કરવા સુભદ્રા પોર્ટલ પર જઈને નોંધણી કરાવવાની રહેશે.
જો યોજના માટે ઑફલાઇન અરજી કરવી હોય તો, નજીકના આંગણવાડી કેન્દ્ર, બ્લોક ઑફિસ, શહેરી સ્થાનિક સંસ્થા ઑફિસ, CSC કેન્દ્રની મુલાકાત લઈને આ યોજના માટે અરજી કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ દર વર્ષે એક કરોડથી વધુ મહિલાઓને વાર્ષિક ₹10,000 આપવામાં આવશે. PM મોદીએ યોજનાનો શુભારંભ કર્યા બાદ કર્યા બાદ 25 લાખ મહિલાઓને ₹5000 રૂપિયાનો પ્રથમ હપ્તો આપવામાં આવ્યો હતો. જે અંતર્ગત મહિલા લાભાર્થીઓના બેંક ખાતામાં ₹1,250 કરોડથી વધુ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે ‘ઓડિશા માટે મોદીની ગેરંટી’ એ ભાજપના ચૂંટણી ઢંઢેરામાં મુખ્ય વચન હતું. આ યોજના હેઠળ 21થી 60 વર્ષની વયની એક કરોડ મહિલાઓને 5 વર્ષમાં ₹50,000ની સહાય આપવામાં આવશે. આ યોજના પર સરકાર ₹55000 કરોડ ખર્ચ કરવાની છે. ઓડિશા પહેલા PM મોદી ગુજરાતના પ્રવાસ પર હતા, ત્યારે તેમણે સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓની મુલાકાત પણ લીધી હતી.