ખેડા જિલ્લામાં માતર ગામના નાની ભાગોળ વિસ્તારમાં હુસેની ચોક ખાતે વિવાદિત બોર્ડ મૂકાતા તણાવ સર્જાયો હતો, આ બાબતે બજરંગ દળના આગેવાનોએ માતર પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે.
દરગાહ નજીક મૂકાયેલા બોર્ડ પર લખવામાં આવ્યું હતું કે – “જાહેર સુચના… નાની ભાગોળ હુસેની એક માં દરગા મદરસો તથા અરજદની આસપાસ ગરબા રાવા કે વગાડવાની સખ્ત મનાઈ છે – લિ.સુ.પંચ નાની ભાગોળ.” આ લખાણ બહાર આવતા સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ હતી.
ઘટનાની જાણ થતાં માતર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી. પોલીસના જણાવ્યા મુજબ આવા બોર્ડ લગાવવું કાયદા મુજબ અયોગ્ય છે અને શાંતિ ભંગ થવાની શક્યતા છે.
આ મામલે બજરંગ દળના આગેવાનો માતર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને બોર્ડ લગાવનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની લેખિત રજૂઆત કરી હતી. અરજીના આધારે પોલીસએ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન પ્રાથમિક પુરાવા આધારે પોલીસએ અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે.
પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સામાજિક સૌહાર્દ બગાડે તેવું કોઈપણ પગલું સહન નહીં કરવામાં આવે. ગામમાં હાલમાં શાંતિપૂર્ણ વાતાવરણ છે અને પોલીસ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. આ ઘટનાએ વિસ્તારના લોકોમાં કાનૂની જાગૃતિ અંગે ચર્ચા જગાવી છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel