ખેડા જિલ્લાના માતર તાલુકાના નાની ભાગોળ ગામમાં એક વિવાદાસ્પદ બોર્ડ લગાવાયા બાદ ભારે હંગામો મચ્યો છે. આ બોર્ડ પર સ્પષ્ટ લખાયું હતું કે “દરગાહ, મદરેસા તથા મસ્જિદની આસપાસ ગરબા રમવા કે વગાડવાની સખત મનાઈ છે.” બોર્ડ જાહેરમાં લગાડાતા જ હિંદુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો અને તેને સીધો બંધારણના મૂળભૂત અધિકારો વિરુદ્ધનો નિર્ણય ગણાવવામાં આવ્યો. હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈને તરત જ એકત્ર થઈને વિરોધ દર્શાવ્યો અને સ્થાનિક માતર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી કડક કાર્યવાહી કરવાની માંગણી કરી.
હિંદુ સંગઠનોના જણાવ્યા અનુસાર, આ બોર્ડ સ્થાનિક મસ્જિદના પંચ દ્વારા હુસૈની ચોક વિસ્તારમાં આવેલા એક ખાનગી પ્લોટની દીવાલ પર લગાડવામાં આવ્યો હતો. અરજીમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કર્યો હતો કે આ પગલું ‘જેહાદી માનસિકતા’નું પ્રતિબિંબ છે, જે ગામમાં સામાજિક વિભાજન અને દ્વેષ ફેલાવવાનો પ્રયત્ન કરે છે. સંગઠનોનું કહેવુ છે કે આવું પ્રતિબંધાત્મક લખાણ કલમ 14 (સમાનતા અધિકાર), કલમ 19(1)(D) (આવાગમનની સ્વતંત્રતા), કલમ 25 અને 26 (ધર્મની સ્વતંત્રતા), તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ 153, 295 અને 505નું ઉલ્લંઘન કરે છે.
હિંદુ સંગઠનોની દલીલ છે કે નવરાત્રિ જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક તહેવારો ગુજરાતીની ઓળખ છે, અને આવા બોર્ડ લગાવીને હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે દાવો કર્યો કે હુસૈની ચોક વિસ્તાર મુસ્લિમ બહુલ હોવા છતાં, ત્યાં ક્યારેય નવરાત્રિના કાર્યક્રમો યોજાતા નથી. છતાં, અમુક તત્વોએ વૈમનસ્ય ફેલાવવા માટે જ આવો બોર્ડ લગાવ્યો હતો.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને, માતર પોલીસ સ્ટેશનના PI આર. એન. ખાટે જણાવ્યું કે અરજી મળતાની સાથે જ પોલીસે મસ્જિદના પંચ સાથે વાતચીત કરી અને તાત્કાલિક બોર્ડ પરથી વિવાદિત લખાણ દૂર કરવા કહ્યું. ત્યારબાદ બોર્ડ પર કાળો રંગ લગાવી લખાણ ઢાંકવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે હાલ આ મામલે FIR નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે, અને જવાબદાર લોકોની ઓળખ કરીને તેમની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.
આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચાનો વિષય ઊભો કર્યો છે અને હિંદુ સંગઠનોના મતે આવા બનાવો માત્ર સાંપ્રદાયિક તણાવ વધારવાનો પ્રયાસ છે. તેમણે ચેતવણી આપી છે કે ભવિષ્યમાં આવી હરકતો રોકવા માટે કડક પગલાં લેવાશે અને કાનૂન અને વ્યવસ્થાની જાળવણી માટે જવાબદાર તંત્રોએ સતર્ક રહેવું પડશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel