ખેડા જિલ્લામાં આવેલ નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે પોષી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડેલ, જેથી મંદિર પરિસર ‘જય મહારાજ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું, મંદિર પ્રશાસને ભક્તો માટે વિશેષ આયોજન કર્યું હતું.
આ પ્રસંગે 80 મણ શુદ્ધ ઘીનો શીરો, 1500 કિલો ભાત, દાળ અને શાક સહિતની મહાપ્રસાદની સાથે વ્યવસ્થા કરાઈ હતી, સવારે 10 વાગ્યાથી શરૂ થયેલા રસોડામાં અંદાજે 15 હજારથી વધુ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરેલ, આ પવિત્ર દિવસે ભક્તોએ સંતરામ મહારાજની જ્યોતના આશીર્વાદ મેળવ્યા અને મનોકામના પૂર્ણ થવાની પ્રાર્થના કરી હતી.
એક માન્યતા છે કે બાળક તેની ઉંમર પ્રમાણે બોલતુ ન હોય તો સંતરામ મંદિરમાં સાકર-બોર વર્ષા કરવાની બાધા રાખવામાં આવે તો તે બાળક જલ્દી બોલતુ થાય છે. આજે સંતરામ મંદિર નડીઆદમાં મોટી સંખ્યામાં શહેર સહિત આજૂબાજૂના ગામના લોકોએ બોર ઉછામણી કરવાની બાધા રાખી હતી તો કેટલાક લોકો બાધા પૂર્ણ કરવા માટે સંતરામ મંદિરમાં બોર વર્ષા કરી હતી.