વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક માટે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે, પરંતુ તે પહેલા આજે તેમનો ભવ્યાતિભવ્ય પાંચ કિલોમીટર લાંબો રોડ-શો શરૂ થઈ ગયો છે. આ દરમિયાન ઠેરઠેર જનમેદની ઉમટી છે અને વડાપ્રધાન પર ફૂલોની વર્ષા પણ કરવામાં આવી રહી છે. તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) પણ રોડ-શોમાં જોડાયા છે.
PM Shri @narendramodi's roadshow in Varanasi, Uttar Pradesh. https://t.co/Go0oRuV2j7
— BJP (@BJP4India) May 13, 2024
વડાપ્રધાન મોદી આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે
ભાજપ સૂત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલા ગંગા નદીમાં ડુબકી લગાવશે. અત્રે એ યાદ રહે કે, વડાપ્રધાન મોદી ત્રીજી વખત વારાણસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક માટે લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે.
વડાપ્રધાન ત્રીજી વખત કાળભૈરવ મંદિરે દર્શન કરશે
વડાપ્રધાન મોદી ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા સવારે અસ્સી ઘાટ જશે અને લગભગ 10.00 કલાકે કાળભૈરવ મંદિરે દર્શન કરશે. ત્યારબાદ પોણા અગિયાર વાગે NDA નેતાઓ સાથે બેઠક કરશે અને પછી 11.40 કલાકે ઉમેદવારી ફોર્મ ભરશે. ત્યારબાદ તેઓ ઝારખંડ જવા રવાના થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા કાશીના કોતવાલા બાબા કાળભૈરવના મંદિરમાં દર્શન કરશે અને પૂજા-અર્ચના પણ કરશે. અગાઉ તેમણે વર્ષ 2014 અને 2019માં પણ આ મંદિરમાં દર્શન કર્યા હતા. એવું કહેવાય છે કે, મંગળવાર કાલભૈરવનો ઉત્પત્તિ દિવસ છે. ભગવાન કાલભૈરવના દર્શન અને પૂજનથી વિશેષ ફળ મળે છે.
વડાપ્રધાન મોદીના વારાણસીમાં યોજાનાર 14મેના કાર્યક્રમો
- વડાપ્રધાન મોદી સવારે અસ્સી ઘાટ જશે
- સવારે 10.15 કલાકે કાળભૈરવ મંદિરમાં દર્શન કરશે
- સવારે 10.45 કલાકે એનડીએ નેતાઓ સાથે બેઠક કરશે
- સવારે 11.40 કલાકે ઉમેદવારી પત્ર નોંધાવશે
- બપોરે 12.15 કલાકે પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે
- ત્યારબાદ તેઓ ઝારખંડ જવા માટે રવાના થશે
- બપોરે 3.30 કલાકે કોડરમા-ગિરિડીહમાં ચૂંટણી સભા સંબોધશે
વારાણસીમાં પહેલી જૂને યોજાશે મતદાન
વારાણસી લોકસભા બેઠક માટે અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સાતમી મેથી શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ના ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર 13મી મેએ મતદાન થવાનું છે. આ 10 રાજ્યોમાં આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા, બીજા તબક્કામાં 60.96 ટકા અને ત્રીજા તબક્કામાં 61.45 ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કા બાદ પાંચમાં તબક્કામાં 49 બેઠકો પર 20મી મેએ, છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર 25મી મેએ જ્યારે સાતમાં અને અંતિમ તબક્કામાં 57 બેઠકો પર પહેલી જૂને મતદાન યોજાશે.