ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપેલો તાજેતરના મહત્વપૂર્ણ ચુકાદામાં ખાનગી આરોગ્યસંભાળ ક્ષેત્ર માટે નમૂનાકીય અને નાણાકીય દ્રષ્ટિએ ભારે અસરકારક નિર્ણય આપવામાં આવ્યો છે. હાઈકોર્ટની ડિવિઝન બેંચે – જસ્ટિસ ભાર્ગવ ડી. કારીયા અને જસ્ટિસ ડી.એન. રેની અધ્યક્ષતામાં – ખાનગી હોસ્પિટલો દ્વારા ઇન્ડોર દર્દીઓને આપવામાં આવતી દવાઓ, સ્ટેન્ટ્સ, ઇમ્પ્લાન્ટ્સ, પ્રોસ્થેટીક્સ અને અન્ય મેડિકલ ઉપભોગ્ય ચીજવસ્તુઓના વેચાણ પર વેટ (Value Added Tax) લાગુ પડે તેવી સ્પષ્ટતા કરી છે. આ ચુકાદા અનુસાર, રાજ્યના વેટ અથવા હાલના જીએસટી સત્તાવાળાઓ આવા ચીજવસ્તુઓના વેચાણ સામે કર વસૂલવા માટે અધિકૃત ગણાય છે.
અરજદાર તરીકે અમદાવાદ અને રાજ્યની જાણીતી ખાનગી હોસ્પિટલો – જેમ કે સ્ટર્લિંગ, સીઆઇએમએસ (સીમ્સ), શેલ્બી, વોકાર્ડથ, બેંકર્સ કાર્ડિયોલોજી વગેરે –એ પોતાની રિટ અરજીઓમાં દલીલ કરી હતી કે તેઓ ઇન્ડોર દર્દીઓને જે સારવાર આપે છે તે એક સંયુક્ત તબીબી સેવા છે અને તેમાંથી વસ્તૂઓના અલગ વેચાણ તરીકે વર્ગીકરણ કરી તેને કરની આડમાં લાવવું યોગ્ય નથી. તેમનું કહેવું હતું કે આરોગ્યસંભાળ સેવા કોઈ વર્ક્સ કોન્ટ્રાક્ટ નહીં ગણાય, જેથી તેના પર વેટ/જી.એસ.ટી લાગુ પડતો નથી.
પરંતુ રાજ્ય સરકાર તરફથી જણાવ્યું ગયું હતું કે ભારતીય બંધારણના 46મા સુધારા પછી, ખાસ કરીને કલમ 366(29A) અંતર્ગત, ખાદ્ય પદાર્થો કે મેડિકલ વસ્તુઓ જેવી ચીજવસ્તુઓ જ્યારે સેવાઓ સાથે સંકળાયેલી હોય, ત્યારે એ ‘વર્ક્સ કોન્ટ્રાક્ટ’ તરીકે ગણાય છે. રાજ્યના વેટ અધિનિયમ, 2003ની કલમ 2(23) મુજબ પણ આવા કોન્ટ્રાક્ટમાં માલના ટ્રાન્સફર પર કર વસૂલવાની સત્તા સરકારને પ્રાપ્ત છે. સરકારનું પણ સ્પષ્ટ કરવું હતું કે આ કર આરોગ્યસંભાળ સેવાઓના સંપૂર્ણ પેકેજ પર લાગતો નથી, પરંતુ માત્ર તેમાં સમાવિષ્ટ દવાઓ અને મેડિકલ ઉપકરણોના વેચાણ પર લાગૂ થાય છે.
હાઈકોર્ટે આ દલીલ માન્ય રાખી તમામ રિટ અરજીઓ ફગાવી દીધી અને જણાવ્યું કે ઇન્ડોર દર્દીઓને આપવામાં આવતી આરોગ્યસંભાળ સેવા હવે એક પ્રકારના વર્ક કોન્ટ્રાક્ટ તરીકે ગણાય છે. આથી, એ સેવાઓમાં સમાવિષ્ટ ચીજવસ્તુઓના વેચાણ પર કર વસૂલવામાં આવે તો તે બંધારણીય રીતે યોગ્ય અને કાયદેસર ગણાય છે.
આ નિર્ણયના પરિણામે હવે રાજ્યની વિવિધ ખાનગી હોસ્પિટલો પર અંદાજે ₹1,000 કરોડ કે તેથી વધુ રકમના બાકી કરનો દાવો થઈ શકે છે. આ ચુકાદો ખાનગી આરોગ્યસંભાળ ક્ષેત્ર માટે મોર્ચો ખોલે છે અને સરકારના વેટ/જીએસટી વિભાગ માટે મોટા પ્રમાણમાં આવક એકત્ર કરવાનો માર્ગ મોકળો કરે છે. સાથે સાથે, આરોગ્યસંભાળ ક્ષેત્રમાં ફરજિયાત કર ચુકવણી અને વ્યવસ્થિત નાણાકીય આલેખન તરફ વધુ ભાર આપવામાં આવશે.