આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડ્યું.
આણંદ શુક્રવારે આણંદ જીલ્લામાં વાહન ચાલકો અને જાહેર જનતાની સલામતી જળવાઈ રહે, ટ્રાફિક નિયમન થઈ શકે, મનુષ્યનાં જાન, સ્વાસ્થ્ય તથા સલામતી જળવાઈ રહે તેમજ શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવવા અને તેના નિયત્રંણ જળવાઈ રહે તે અંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા માર્ગદર્શક સુચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
રસ્તા પર કે સરકારી જમીનો અને ખાનગી પ્લોટ પર અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા અનધિકૃત રીતે ઘાસચારો વેંચવામાં આવતો હોય છે. આવા વ્યક્તિઓ દ્વારા એક જગ્યાએ ઢોર એકત્ર કરી ગ્રાહકોને ઘાસચારો વેંચી એકત્ર કરેલ ઢોરને આપવામાં આવે છે. આ એકત્ર થયેલ ઢોર ઘણીવાર નિરંકુશ થઈ અન્ય નાગરીકોને ઈજા પહોંચાડે છે તેમજ જાહેર જનતાને નુક્સાન કરે છે. જેથી જાહેર જનતાની સુરક્ષાના હિતમાં જાહેરમાં, સરકારી તથા ખાનગી જમીનો પર અનધિકૃત રીતે ઘાસચારો વેંચવા પર પ્રતિબંધ મુકવો જરૂરી હોઈ આણંદના અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઇએ એક જાહેરનામા દ્વારા આણંદ જીલ્લાની તમામ નગરપાલિકાઓની હદમાં અધિકૃત કરેલ સ્થળો સિવાયના કોઇપણ વિસ્તારોમાં જાહેરમાર્ગો, ફુટપાથ તથા જાહેર સ્થળો ખાતે કોઈ પણ વ્યકિતના ઘાસચારાનું વેચાણ કરવા, જાહેરમાં ઘાસચારો નાખવા, માલિકીનાં ઢોરને જાહેરમાં તેમજ રસ્તાઓ ઉપર છોડી મુકવા, રખડતા ભટકતા રહે તેવી રીતે રાખવા કે છોડી મુકવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામું સમગ્ર આણંદ જિલ્લામાં લાગુ પડશે અને તેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.
રિપોર્ટ-ભાવેશ સોની (આણંદ)