રક્ષાબંધન એટલે માત્ર ભાઈના કાંડે બંધાતી રાખડીનો તહેવાર નથી, પરંતુ ભાઈ-બહેન વચ્ચેના અતૂટ પ્રેમ, લાગણી, વિશ્વાસ અને સ્નેહનું પવિત્ર પર્વ છે. સમય બદલાયો છે, ટેક્નોલોજી બદલાઈ છે, પરંતુ ભાઈ-બહેનના સંબંધની લાગણી આજે પણ એટલી જ જીવંત છે. એક સમય હતો જ્યારે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધતી અને ભાઈ પોતાની યથાશક્તિ પ્રમાણે બહેનને કપડાં, મીઠાઈ, ભેટ કે રોકડ રકમ આપતો. આજે ડિજિટલ યુગમાં એ જ પ્રેમ અને લાગણી UPIના માધ્યમથી પણ વ્યક્ત થવા લાગી છે.
ડાંગના શ્યામ એસ. માહલા દ્વારા ડાંગની 350 થી વધુ બહેનોને UPI ના માધ્યમથી ડિજિટલ ભેટ આપવામાં આવી. ડિજિટલ ભેટ મેળવીને બહેનોએ આભાર વ્યક્ત કર્યો.
ભારતમાં 25 ઓગસ્ટ 2016ના રોજ UPI વ્યવસ્થાની શરૂઆત થઈ હતી. ત્યારથી ડિજિટલ પેમેન્ટની અસર સમગ્ર ભારતભરમાં જોવા મળી રહી છે. શહેરોથી લઈને અંતરિયાળ ગામડાં સુધી લોકો ડિજિટલ વ્યવહારોને અપનાવી રહ્યા છે. વર્ષ 2016માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ડિજિટલ પેમેન્ટને મળેલા પ્રોત્સાહનથી આજે ભારત ડિજિટલ વ્યવહારોના ક્ષેત્રમાં એક નવી દિશામાં આગળ વધી રહ્યું છે. રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારમાં પણ ભાઈઓ હવે પરંપરાગત ભેટ સાથે UPI મારફતે બહેનોને ડિજિટલ ભેટ અને પ્રોત્સાહન રકમ મોકલી રહ્યા છે.
આ ડિજિટલ પરિવર્તનની એક સુંદર ઝલક આ રક્ષાબંધનના પાવન પર્વે ડાંગ જિલ્લામાં જોવા મળી છે.
ડાંગ જિલ્લાના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સના માધ્યમથી ભારતના અલગ-અલગ રાજ્યો તેમજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી બહેનોએ પ્રેમપૂર્વક રાખડીઓ મોકલી હતી. અંતર ભલે કેટલાય કિલોમીટરનું હોય, પરંતુ રાખડીના આ પવિત્ર બંધને સૌને એક લાગણીના સંબંધમાં જોડી દીધા. બહેનો દ્વારા મોકલવામાં આવેલી આ રાખડીઓના પ્રેમના પ્રતિસાદરૂપે ડાંગ જિલ્લાના વતની શ્યામ એસ. માહલા દ્વારા 350થી વધુ બહેનોને UPI મારફતે પ્રોત્સાહન રકમ મોકલવામાં આવી.
મોબાઈલની એક ક્લિકથી બહેનો સુધી પહોંચેલી આ રકમ માત્ર આર્થિક પ્રોત્સાહન નથી, પરંતુ ‘બહેનનો પ્રેમ અને ભાઈનો સ્નેહ’ ડિજિટલ માધ્યમથી વ્યક્ત કરતું અનોખું ઉદાહરણ બની છે.ખાસ વાત એ છે કે ડાંગ જેવા અંતરિયાળ અને આદિવાસી જિલ્લામાંથી પણ ડિજિટલ યુગ સાથે જોડાયેલા નવા ભારતની સુંદર ઝલક જોવા મળી રહી છે.
રક્ષાબંધનના આ પાવન પર્વે ડાંગમાંથી સામે આવેલી આ પહેલ ડિજિટલ ઈન્ડિયા અને ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો સુંદર સંગમ બની છે.
રાખડીનો પ્રેમ દિલથી,
ભાઈની ભેટ હવે ડિજિટલ રીતે…
સુરેશભાઈ બાગુલ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
Like, Share and Subscribe our YouTube channel