દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં અગાઉ ખ્રિસ્તી પંથ અપનાવનારા આશરે 10 આદિવાસી પરિવારના સભ્યોએ ફરીથી સનાતન હિંદુ ધર્મ સ્વીકાર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિરે યોજાયેલા ‘ઘરવાપસી’ કાર્યક્રમ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત ધાર્મિક વિધિઓ વચ્ચે આ લોકોનું સનાતન પરંપરામાં પુનઃ સ્વાગત કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, ઘરવાપસી કરનારા લોકો ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના અંતરિયાળ ગામોના રહેવાસી છે. કાર્યક્રમ દરમિયાન પુરોહિતો દ્વારા વૈદિક સંસ્કારો, પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિઓ સંપન્ન કરાવવામાં આવી હતી. આયોજકોના જણાવ્યા અનુસાર આ સમૂહમાં 4 મહિલાઓ, 6 પુરુષો ઉપરાંત કેટલાક બાળકો અને યુવાનોનો પણ સમાવેશ થતો હતો.
ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ તમામ લોકોએ જીવનભર કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહેવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમમાં હાજર સંતો અને સમાજના આગેવાનો દ્વારા સનાતન સંસ્કૃતિ, ભારતીય પરંપરા અને સામાજિક એકતા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન દેવ બિરસા સેના દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખે દાવો કર્યો કે તેમની સંસ્થાના પ્રયાસોથી અત્યાર સુધીમાં કુલ 54 લોકો સનાતન હિંદુ ધર્મમાં ઘરવાપસી કરી ચૂક્યા છે. સંસ્થાનું કહેવું છે કે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જાગૃતિ અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યું છે.
આયોજકોનો વધુમાં દાવો છે કે ડાંગ જિલ્લાના કેટલાક આદિવાસીઓને અગાઉ બીમારીઓ દૂર થવાની આશા, આર્થિક સહાય સહિતના વિવિધ પ્રલોભનો આપી ખ્રિસ્તી પંથ અપનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. જોકે બાદમાં હકીકતની જાણ થતાં તેમણે સ્વેચ્છાએ પોતાના મૂળ સનાતન ધર્મમાં પરત ફરવાનો નિર્ણય લીધો હોવાનું પણ આયોજકોનું કહેવું છે.
ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણ અને ઘરવાપસીનો મુદ્દો છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચાનો વિષય રહ્યો છે. વિવિધ હિંદુ સંગઠનો દ્વારા સમયાંતરે ઘરવાપસી અને જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે, જ્યારે બીજી તરફ ધર્માંતરણને લઈને રાજકીય, સામાજિક અને કાનૂની સ્તરે પણ ચર્ચા થતી રહે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel