ગુજરાતના વિશ્વવિખ્યાત હિલ સ્ટેશન સાપુતારામાં આગામી 8 ઓગસ્ટથી 29 ઓગસ્ટ, 2026 દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘ મલ્હાર પર્વ 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ થશે. કાર્યક્રમને લઈને સમગ્ર ડાંગ જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા અને સ્થાનિક લોકોને રોજગારીની વધુ તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયગાળા દરમિયાન ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલની ઉજવણીની પહેલ કરવામાં આવી હતી. આ પહેલને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યા બાદ દર વર્ષે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
8થી 29 ઓગસ્ટ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો
આ વર્ષે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન 8 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી કરવામાં આવનાર છે. ફેસ્ટિવલ દરમિયાન ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ, આદિવાસી કલા, લોકનૃત્યો, સંગીત, હસ્તકલા, સ્થાનિક વાનગીઓ તેમજ વિવિધ મનોરંજન કાર્યક્રમો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્યથી ખીલી ઊઠતા સાપુતારામાં યોજાતો આ ઉત્સવ ગુજરાત ઉપરાંત દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને પ્રકૃતિ, સંસ્કૃતિ અને મનોરંજનનો અનોખો અનુભવ કરાવશે.
અનેક મહાનુભાવોની ઉપસ્થિતિની સંભાવના
ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ડાંગના પ્રભારી મંત્રી જયરામભાઈ ગામીત, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીત, લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ડાંગ જિલ્લા કલેક્ટર એન. ડી. પરમારના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ગુજરાતના પ્રવાસનને વધુ વેગ આપવાનો પ્રયાસ
રાજ્ય સરકાર અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત ‘મેઘ મલ્હાર પર્વ 2026’નો મુખ્ય ઉદ્દેશ સાપુતારા સહિત ડાંગ જિલ્લાના પ્રવાસનને વધુ પ્રોત્સાહન આપવાનો છે. ફેસ્ટિવલના કારણે સ્થાનિક વેપાર, હસ્તકલા, ખાણીપીણી, પરિવહન અને અન્ય પ્રવાસન આધારિત વ્યવસાયોને પણ લાભ મળવાની અપેક્ષા છે.
ડાંગના ગીચ જંગલો, હરિયાળી, ધોધ અને કુદરતી સૌંદર્ય વચ્ચે યોજાનારો આ ઉત્સવ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બની રહેવાની શક્યતા છે.
પ્રવાસીઓ માટે સુવિધા અને સુરક્ષાની તૈયારી
ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફેસ્ટિવલ દરમિયાન મોટી સંખ્યામાં આવનારા પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને જરૂરી સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન કરીને વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
ચોમાસામાં સાપુતારાનું મનમોહક વાતાવરણ અને તેની સાથે ‘મેઘ મલ્હાર પર્વ 2026’ના સાંસ્કૃતિક કાર્યક્રમોને કારણે આ વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારાની મુલાકાત લે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રિપોર્ટર: સુરેશભાઈ બાગુલ (ડાંગ )
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel