કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશભરમાં માર્ગ અકસ્માતનો ભોગ બનનારા લોકો માટે કેશલેસ ટ્રીટમેન્ટ (મફત સારવાર) યોજના જાહેર કરી છે. જે હેઠળ સરકાર માર્ગ અકસ્માતના પીડિતોને સાત દિવસ મફત સારવાર અથવા રૂ. 1.5 લાખ સુધીનો સારવાર ખર્ચ આપશે. આ પાયલોટ પ્રોજેક્ટ ચંદીગઢ અને અસમમાં ગતવર્ષે ઓગસ્ટમાં શરૂ થયો હતો. જેના સફળ અમલીકરણ બાદ હવે દેશભરમાં લાગુ કરવાની જાહેરાત કરી છે.
આ યોજનાનો લાભ લેવા અકસ્માતની જાણ તાત્કાલિક ધોરણે પોલીસને કરવી પડશે. અકસ્માત થયાના તુરંત કે 24 કલાકની અંદર પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવનારાને કેશલેસ ટ્રીટમેન્ટનો લાભ મળશે. જેમાં ઈજાગ્રસ્તને સાત દિવસ કે મહત્તમ રૂ. 1.5 લાખ સુધીનો સારવાર ખર્ચ આપવામાં આવશે.
હિટ એન્ડ રન કેસમાં 2 લાખની સહાય
ગડકરીએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતમાં છેલ્લા એક વર્ષમાં 1.80 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. હિટ એન્ડ રનના કિસ્સામાં સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને રૂ.2 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. અકસ્માતમાં ઘટાડો કરવા સરકાર માર્ગ સુરક્ષાને પ્રાધાન્ય આપી રહી છે.
#WATCH | CORRECTION | Union Minister of Road Transport & Highways, Nitin Gadkari says "In the meeting, the first priority was for road safety – 1.80 lakh deaths have occurred in 2024. 30,000* people died because of not wearing a helmet. The second serious thing is that 66%* of… pic.twitter.com/Xsh1Q04VXn
— ANI (@ANI) January 8, 2025
અકસ્માતમાં મૃત્યુ પામનારા 66 ટકા યુવા
કેન્દ્રીય પરિવહન મંત્રીએ નવી યોજના જાહેર કરવાની સાથે માર્ગ અકસ્માતના આંકડાઓ પણ રજૂ કર્યા હતા. જે અનુસાર, 2024માં કુલ 1.80 લાખ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. જેમાં 30000 લોકોના મોત હેલમેટ ન પહેરવાના કારણે થયા છે. ઉલ્લેખનીય છે, આ મૃતકોમાં 66 ટકા લોકો 18થી 34 વર્ષનો યુવા વર્ગ હતો.
માર્ગ સુરક્ષામાં ખામીના કારણે 10000 બાળકોએ જીવ ગુમાવ્યા
ગડકરીએ જણાવ્યું હતું કે, આપણી શાળાઓ અને કોલેજોમાં યોગ્ય રીતે એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટની વ્યવસ્થા ન હોવાથી 2024માં આશરે 10 હજાર બાળકોએ જીવ ગુમાવ્યા છે. શાળાઓની ઓટો રિક્ષા અને મીની બસ માટે નિયમો હોવા છતાં તેના અનુપાલનના અભાવે બાળકો પણ દુર્ઘટનાઓનો ભોગ બની રહ્યા છે. અમે તમામ ખામીઓને ધ્યાનમાં લઈ તેને ઘટાડવા પ્રયાસ કરીશું. માર્ગ અકસ્માતની ઘટનાઓ ઘટાડવા માટે સૌએ એકજૂટ થઈ પ્રયાસ કરવો પડશે. નીતિન ગડકરીએ ગઈકાલ મંગળવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન મંત્રીઓ સાથે આયોજિત બેઠકમાં આ અંગે જણાવ્યું હતું.