મુંબઈ કરન્સી બજાર આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી ઉછળતાં રૂપિયો નવા નીચા તળિયે ઉતરી ગયો હતો. ડોલરના ભાવ આજે ઈન્ટ્રા-ડે ઉંચામાં રૂ.૮૪.૫૦ સુધી પહોંચી ગયા હતા જે નવી ટોચ મનાઈ રહી છે. શેરબજાર ગબડતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચા જતાં કરન્સી બજારમાં આજે રૂપિયો દબાણ હેઠળ જોવા મળ્યો હતો.
ડોલરના ભાવ રૂ.૮૪.૪૨ વાળા આજે સવારે રૂ.૮૪.૪૦ ખુલ્યા પછી ભાવ ઉછળી ઉંચામાં રૂ.૮૪.૫૦ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૪.૪૯ રહ્યા હતા. બંધ ભાવના સ્વરૂપમાં પણ રૂપિયો નવા તળિયે ઉતરી ગયો હતો તથા ડોલર ઉછળતાં દેશમાં આયાત થતી ક્રૂડતેલ સહિતની વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જતાં હવે દેશમાં ફુગાવો તથા મોંઘવારી વધુ ઉંચી જવાની ભીતિ જાણકારો બતાવી રહ્યા હતા.
શેરબજારમાંથી ડોલરનો આઉટફલો વધતાં કરન્સી બજારમાં રૂપિયા પર નેગેટીવ અસર જોવા મળી હતી. મુંબઈ કરન્સી બજારમાં આજે વિવિધ વિદેશી બેન્કો ડોલરમાં લેવાલ રહી હતી. અમેરિકામાં ડિસેમ્બરમાં વ્યાજના દરમાં ઘટાડો કરાશે કે નહિં એ વિશે અનિશ્ચિતતા વધતાં તેની અસર પણ વૈશ્વિક સ્તરે ડોલરના ભાવ પર દેખાઈ હતી. વિશ્વ બજારમાં ડોલર સામે એશિયાની વિવિધ કરન્સીઓ ગબડતી દેખાઈ હતી.
મુંબઈ બજારમાં આજે રિઝર્વ બેન્ક તથા વિવિધ સરકારી બેન્કોની સક્રિયતા ઓછી જણાઈ હતી તથા સરકારી બેન્કોની ડોલરમાં વેચવાલી અપેક્ષાથી ધીમી જણાતાં ડોલરના ભાવ આજે ઝડપી ઉછળ્યા હતા. એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું. અમેરિકામાં પ્રમુખપદે ટ્રમ્પના આગમન પછી અત્યાર સુધીના ગાળામાં વિશ્વ બજારમાં ડોલરના ભાવ આશરે બે ટકા વધી ગયા છે. રશિયા તથા યુક્રેન વચ્ચે ફરી તંગદીલી વધતાં તેની અસર વૈશ્વિક કરન્સી બજાર તથા ક્રૂડતેલ બજાર પર દેખાઈ હતી. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૧૦૬.૬૮ વાળો આજે ઉંચામાં ૧૦૬.૭૪ થઈ ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૧૦૬.૬૮ વાળો આજે ઉંચામાં ૧૦૬.૭૪ થઈ ૧૦૬.૭૨ રહ્યાના સમચારા મળ્યા હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ વધતા અટકી ૨૧ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૧૦૬.૬૬ થઈ છેલ્લે રૂ.૧૦૬.૭૪ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૧૯ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૮૯ની અંદર ઉતરી રૂ.૮૮.૮૨ થઈ છેલ્લે ભાવ રૂ.૮૮.૮૭ રહ્યા હતા. વિશ્વ બજારમાં પણ ડોલર સામે પાઉન્ડ તથા યુરોના ભાવમાં પીછેહઠના સમાચાર મળ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામે જાપાનની કરન્સી આજે ૦.૪૬ ટકા ઉંચકાઈ હતી જ્યારે ચીનની કરન્સીમાં ૦.૦૩ ટકાનો ધીમો ઘટાડો બતાવી રહી હતી.
હવે શુક્રવારે બહાર પડનારા દેશના ફોરેક્સ રિઝર્વના આંકડાઓ પર બજારની નજર રહી હતી. મુંબઈ બજારમાં આ પૂર્વે રૂપિયા સામે ડોલરના ભાવ ૧૪ નવેમ્બરે રૂ.૮૪.૪૬ના મથાલે નવી ટોચે બંધ રહ્યા હતા અને આજે એ રેકોર્ડ તૂટતાં ડોલરના ભાવ વધુ ઉંચા ગયા હતા. જ્યારે રૂપિયો નવા નીચા તળિયે ઉતરી ગયો હતો એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.