સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંત દ્વારા તા. ૨૬ ઓકટો. થી ૦૨ નવે. ૨૫ દરમિયાન સાત દિવસનો પ્રબોધન વર્ગ હિન્દુ ગુરુકુળ, લકુલીશ સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠ, કાયાવરોહણ ખાતે યોજાયો હતો.
ઉપરોક્ત વર્ગના સમાપન કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓમાંથી ઉપસ્થિત શિબિરાર્થીઓ દ્વારા સંસ્કૃતભાષામાં સંવાદ, ગીત, વાર્તાલાપ, અભિનય ગીત, અને સંસ્કૃત કક્ષાનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. પ્રબોધનવર્ગના વૃત્ત નિવેદનમાં વર્ગાધિકારી ડો. દિલીપસિંહ ચૌહાણે આ વર્ગની વિશેષતા વિશે જણાવતા કહ્યું હતું કે ૦૭ વર્ષના બાળકથી લઈ ૭૦ વર્ષના વૃદ્ધ સુધીના શિબિરાર્થીએ આ વર્ગમાં ભાગ લીધો છે. આ વર્ગમાં સમાજના વિવિધ વર્ગના લોકો જેમ કે શિક્ષક, અધ્યાપક, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, શાળા અને કોલેજના વિદ્યાર્થી, યુનિવર્સિટીના શોધછાત્ર, ગૃહિણી અને નિવૃત્ત સરકારી અધિકારીઓએ ભાગ લીધો છે. કાર્યક્રમમાં સ્વાગત વકતવ્ય પ્રાંત ઉપાધ્યક્ષ જિતેન્દ્ર બ્રહ્મભટ્ટે કર્યું હતું.
સમાપન કાર્યક્રમના મુખ્ય વક્તા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલિવાલે સંસ્કૃતની મહત્તા જણાવતાં કહ્યું હતું કે સંસ્કૃત ભાષામાં વિશ્વ કલ્યાણની ભાવના “सर्वे भवन्तु सुखिनः…” નિહિત છે. માટે જ સંસ્કૃત ભારતીના સમર્પિત કાર્યકર્તાઓ સંસ્કૃત દ્વારા “વિશ્વ કલ્યાણ” નું ધ્યેય લઈને સમાજ કાર્ય કરી રહ્યા છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડોદરા વિભાગના બૌદ્ધિક પ્રમુખ ગોપાલભાઈ રુંઢકરે શિબિરાર્થીઓને સંસ્કૃતમાં બોલતા જોઈને પોતાના પ્રતિભાવ આપતા કહ્યું હતું કે સંસ્કૃત ભાષાની મધુરતા અને સરલતાનો આજે મને પ્રત્યક્ષ અનુભવ થયો છે.
શિબિરાર્થીઓને આશીર્વાદ આપતા હિન્દુ ગુરુકુળ, લકુલીશ સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠના સંસ્થાપક પ્રીતમ મુનિજીએ પોતાના ઓજસ્વી વક્તવ્યમાં જણાવ્યું હતું કે સનાતન સંસ્કૃતિ અને ભારતની જ્ઞાન પરંપરાની વાહક સંસ્કૃત ભાષા છે. પ્રત્યેક સનાતનીના ઘરે ષડ્દર્શન, ભગવત ગીતા, અને ઉપનિષદો તો હોવા જ જોઈએ. શાસ્ત્ર જ્ઞાન માટે સંસ્કૃત અને સંસ્કૃતિના રક્ષણ માટે શસ્ત્ર જ્ઞાન વર્તમાન સમયમાં અત્યંત આવશ્યક છે.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિબીરાર્થી ધ્રુવીએ અને આભાર દર્શન પ્રાંત મંત્રી ડો. રઘુરામ લશ્કરીએ કર્યું હતું. તેમ વડોદરા વિભાગના વિભાગ સંયોજક વિભાગ સંયોજક ડો.હસમુખ જાદવે જણાવ્યું હતું.
રીપોર્ટર – સુરેશ પારેખ (કપડવંજ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel