યજ્ઞ એ સનાતન સંસ્કૃતિનું એક અત્યંત મહત્વનું અંગ છે. ધર્મગ્રંથોમાં વર્ણન કરેલા યજ્ઞોનો લાભ સમાજને મળે તે માટે કેટલાક સંતો સતત પ્રયત્નશીલ છે. સંતોના અથાક પ્રયત્નોને કારણે જ આજે યજ્ઞ સંસ્કૃતિ ટકી રહી છે. વિશ્વ કલ્યાણ માટે યજ્ઞ-યાગ કરવાની આપણી પ્રાચીન પરંપરા છે. હાલમાં સમગ્ર વિશ્વ પર ત્રીજા વિશ્વયુદ્ધના વાદળો છવાયેલા છે. જોકે રાજકીય અને બૌદ્ધિક સ્તરે પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ આધ્યાત્મિક પીઠબળ હોવું ખૂબ જ મહત્ત્વનું છે અને તેથી જ મુંબઈમાં સનાતન સંસ્થા દ્વારા ‘શ્રી રાજમાતંગી મહાયજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું છે, તે નિમિત્તે આ ખાસ લેખ !
યજ્ઞ સંસ્કૃતિ : ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞને ‘બ્રહ્માંડની નાભિ’ માનવામાં આવે છે, એટલે કે યજ્ઞ એ સૃષ્ટિનું કેંદ્રબિંદુ છે. તેથી જ વૈદિક કાળથી યજ્ઞોને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. યજ્ઞોના માધ્યમ દ્વારા દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરીને ઇચ્છિત ધ્યેય પ્રાપ્ત કરવું સરળ બને છે. હિંદુ ધર્મગ્રંથોમાં રાજસૂય, અશ્વમેધ, પુત્રકામેષ્ટિ ઇત્યાદિે યજ્ઞો વિશે વિગતવાર માહિતી મળે છે. યજ્ઞમાં અગ્નિ અને મંત્રોચ્ચાર દ્વારા વાતાવરણની નકારાત્મકતા દૂર થાય છે. યજ્ઞ દ્વારા વાતાવરણનું સંતુલન જળવાય છે અને તેની શુદ્ધિ થાય છે. યજ્ઞની પર્યાવરણ પર તેમજ માનવજાત પર ખૂબ જ સકારાત્મક અસર પડે છે, જે હવે વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા પણ પુરવાર થયું છે.

સનાતન સંસ્થાના આશ્રમમાં અત્યાર સુધી રામરાજ્યની સ્થાપના અને સમાજ કલ્યાણ માટે ૩૦૦ થી વધુ યજ્ઞો અને ૧,૦૦૦ થી વધુ ધાર્મિક વિધિઓ કરવામાં આવી છે. જેમાં સાગ્નિચિત્ અશ્વમેધ મહાસોમયાગ, ઉચ્છિષ્ટ ગણપતિ યજ્ઞ, ચંડીયાગ, ધન્વંતરી યાગ, સંજીવની હોમ, પંચમહાભૂત યાગ ઇત્યાદિેનો સમાવેશ થાય છે. આ યજ્ઞોનો સંકલ્પ ધર્મકાર્યમાં આવતા અવરોધો દૂર થાય અને રામરાજ્યરૂપી હિંદુ રાષ્ટ્રની સ્થાપના થાય તેવા સમષ્ટિ કલ્યાણનો હતો. મે ૨૦૨૫ માં ગોવા ખાતે યોજાયેલા ‘સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ’માં ભારતના રક્ષણ અને વિજય માટે શતચંડી યજ્ઞ અને અખિલ માનવજાતના કલ્યાણ માટે ‘શ્રી મહાધન્વંતરી યાગ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશ-વિદેશના સંતો-મહંતો સહિત ૩૦ હજારથી વધુ ભક્તો અને ધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી રાજમાતંગી દેવીનું કાર્ય અને મહાયજ્ઞનું પ્રયોજન ! : આદિશક્તિ દેવી સતીના ક્રોધમાંથી નિર્માણ થયેલા શક્તિના દસ રૂપો એટલે ‘દશમહાવિદ્યા’! જેમાં કાલી, તારા, શોડશી, ભુવનેશ્વરી, ત્રિપુરભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલાનો સમાવેશ થાય છે. માતંગી દેવી આદિશક્તિના મુખ્યમંત્રી (સલાહકાર) હોવાથી તેમને ‘શ્રી રાજમાતંગી’ કહેવામાં આવે છે. આ દેવીની ઉપાસનાથી શત્રુઓ પર નિયંત્રણ પ્રાપ્ત થતું હોવાથી, વર્તમાન યુદ્ધજન્ય પરિસ્થિતિમાં તપોભૂમિ ભારતનું રક્ષણ કરવા માટે શ્રી રાજમાતંગી દેવીનું સુરક્ષા કવચ અનિવાર્ય છે. શ્રીવિષ્ણુના વિવિધ દશાવતારો સમયે પણ દશમહાવિદ્યા કાર્યરત હોય છે. ત્રેતાયુગમાં શ્રી રામના અવતાર સમયે શ્રી રાજમાતંગી દેવીનું તત્વ કાર્યરત હતું, તેથી જ આદર્શ રામરાજ્યની સ્થાપના થઈ શકી ! વર્તમાન સમયમાં પણ રામરાજ્યના નિર્માણ માટે શ્રી રાજમાતંગી દેવીની કૃપા અત્યંત આવશ્યક છે.
રાજમાતંગી ‘વિજયપ્રદા’ (વિજય અપાવનારી) છે. હાલના યુદ્ધના સમયમાં ભારતને સુરક્ષા કવચ મળે અને ભારતની સર્વાંગી ઉન્નતિ થાય તે હેતુથી સનાતન સંસ્થાએ ‘શ્રી રાજમાતંગી મહાયજ્ઞ’નું આયોજન કર્યું છે. આ પ્રસંગે શ્રી રાજમાતંગી દેવીની સ્તુતિ કરીને ભારતના સર્વાંગી વિકાસ અને રક્ષણ માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવશે. સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ જ્યાંથી ધર્મકાર્યનો આરંભ કર્યો હતો, તે મુંબાદેવીની નગરીમાં આયોજિત આ મહાયજ્ઞ એટલે ‘રામરાજ્ય નિર્માણ’ની દિશામાં એક ઐતિહાસિક પગલું છે ! આ યજ્ઞનો આધ્યાત્મિક લાભ લેવા આપ સૌને પરિવાર સાથે ઉપસ્થિત રહેવા વિનંતી છે.