ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેના દ્વારા પાકિસ્તાની હદમાં પ્રવેશી 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો અને 90 થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા બાદ પાકિસ્તાન ગભરાટમાં છે. આ શક્તિશાળી કાર્યવાહી પછી પાકિસ્તાનમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના કારણે પંજાબ અને ચંદીગઢમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે.
ગુરુવારની રાત્રે પાકિસ્તાન તરફથી પંજાબના અનેક શહેરોમાં હુમલાઓ કરવામાં આવ્યા હતા. જોકે, ભારતીય સુરક્ષા દળોએ પણ તાત્કાલિક અને યોગ્ય જવાબ આપ્યો હતો. વધતા ખતરા વચ્ચે પંજાબ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યની તમામ સરકારી, ખાનગી અને સહાયિત શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને બંધ રાખવામાં આવશે.
ચંદીગઢમાં ફરી વાગી સાયરન
ચંદીગઢમાં ફરી એકવાર હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વાગ્યા હતા. વાયુસેના સ્ટેશન તરફથી મળેલી ચેતવણીના આધારે લોકોને ઘરની અંદર જ રહેવા, બાલ્કની કે છત તરફ ન જવા અને સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી છે.
આ તણાવની સ્થિતિમાં ખોટી અફવાઓ ન ફેલાય અને જાહેર સુરક્ષાનું રક્ષણ થાય તે માટે ફરીદકોટ જિલ્લામાં તાત્કાલિક અસરથી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. રાજ્યના ગૃહવિભાગ અને સુરક્ષા દળો સતત સમીક્ષા કરી રહ્યા છે કે સ્થિતિ કાબૂમાં રહે અને કોઈ મોટું નુકસાન ન થાય.
આંતરિક સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક છે અને સરહદી વિસ્તારોમાં બેદરકારી વગર પેટ્રોલિંગ શરૂ કર્યું છે. લોકોએ પણ સરકાર અને સુરક્ષા દળોને સહકાર આપવા કહેવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે જરૂર પડશે તો વધુ કડક પગલાં લેવામાં આવશે અને રાજ્યના દરેક નાગરિકની સુરક્ષા પ્રાથમિકતા રહેશે. લોકોમાં ભયનો માહોલ છે, પરંતુ સરકાર અને સેનાના મજબૂત નિર્ણયોથી લોકોમાં વિશ્વાસ પણ જોવા મળી રહ્યો છે.