રાજધાની નવી દિલ્હીમાં ૨૨ વર્ષ પહેલાં ૧૩ ડિસેમ્બરના દિવસે પાંચ આતંકીઓએ સંસદ પર હુમલો કર્યો હતો, જેમાં દિલ્હી પોલીસના પાંચ જવાન સહિત ૯ લોકોનાં મોત થયા હતા. આ ઘટનાને બે દાયકા વીતી જવા છતાં બુધવારે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. લોકસભામાં બે યુવાનોએ ‘સ્મોક એટેક’ કર્યો હતો જ્યારે બે લોકોએ સંસદની બહાર ગેસના ધુમાડા કર્યા હતા અને તેમણે તાનાશાહી નહીં ચલેગી, ભારત માતા કી જય, જય ભીમ, જય ભારતનો સૂત્રોચ્ચાર કર્યો હતો. છ લોકોએ સંસદ પર ‘સ્મોક એટેક’નું આ કાવતરું ઘડયું હતું, જેમાં ચારની ઘટના સ્થળેથી અને એકની પાછળથી ધરપકડ થઈ હતી જ્યારે એક હજુ ફરાર છે.
સુરક્ષા દળો દ્વારા પકડવામાં આવેલા ચારેયની ઓળખ થઈ ગઈ છે. લોકસભાની અંદર ધુમાડો છોડી દેખાવો કરનારા બે યુવાનોમાં લખનઉના સાગર શર્મા અને મૈસુરના મનોરંજન ડી જ્યારે બહાર દેખાવો કરનારા બે લોકોમાં હરિયાણાની ૪૨ વર્ષીય યુવતી નીલમ અને મહારાષ્ટ્રના લાતુરના ૨૫ વર્ષીય અમોલ શિંદનો સમાવેશ થાય છે. પકડાયેલા ચારેય લોકોએ દાવો કર્યો હતો કે તેમણે આ પ્રતીકાત્મક દેખાવો કરવા માટે આ કાવતરું ઘડયું હતું. અન્ય બેની પાછળથી ગુરુગ્રામમાંથી ધરપકડ કરાઈ હતી. વિક્કી શર્મા અને તેની પત્નીના ઘરે આ ચારેય આરોપી રોકાયા હતા. લલિત નામનો છઠ્ઠો યુવાન પાંચેયના મોબાઈલ લઈ ભાગી છૂટયો.
અમેરિકા સ્થિત ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુએ તાજેતરમાં જ ૧૩મી ડિસેમ્બર પહેલાં સંસદ પર હુમલાની ધમકી આપતો વીડિયો જાહેર કર્યો હતો ત્યારે આ ઘટના ચિંતાજનક છે. ગુપ્તચર એજન્સીઓ અને પોલીસ પાસે હુમલાની સંભાવના અંગેના ઈનપુટ હોવા છતાં સુરક્ષામાં આ ચૂક થઈ હતી. સાંસદોએ આ ઘટનાને સુરક્ષામાં મોટી ચૂક સમાન ગણાવી હતી.
લોકસભામાં બુધવારે કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે નવું સંસદભવન જોવાના બહાને મૈસૂરથી ભાજપના સાંસદ પ્રતાપ સિંહાની ઓફિસમાંથી પાસ લઈને બે યુવાનો સાગર શર્મા અને મૈસુરના મનોરંજન ડી બપોરે ૧.૦૦ વાગ્યે દર્શક ગેલેરીમાંથી સાંસદોની બેન્ચ પર કૂદ્યા હતા અને આમ-તેમ દોડાદોડી કરી હતી અને ત્યાર પછી બૂટમાંથી પીળા રંગનો ગેસ સ્પ્રે કર્યો હતો. આ સાથે તેમણે સૂત્રોચ્ચાર કર્યો હતો. જોકે, સાંસદોએ બંને યુવકોને પકડી લીધા હતા અને તેમની જોરદાર મારપીટ કરી હતી ત્યાર પછી તેમને સુરક્ષા કર્મચારીઓને હવાલે કરી દીધા હતા. આ સમયે લોકસભા ગૃહ પીળા ધુમાડાથી ભરાઈ જતાં કાર્યવાહી બપોરે ૨.૦૦ વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી.
લોકસભા ગૃહમાં સાંસદોએ બંને યુવાનોને પકડયા ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ દેશભક્ત છે અને અહીં માત્ર દેખાવો કરવા આવ્યા છે. સાંસદોએ તેમને પકડીને મારપીટ કરી તે પહેલાં તેમણે ‘તાનાશાહી નહીં ચલેગી’નો સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. લોકસભામાં આ હોબાળો થઈ રહ્યો હતો તેવા સમયે સંસદની બહાર એક યુવતી અને એક યુવકે ગેસનો સ્પ્રે કરી અફરા-તફરી મચાવી હતી. આ બંનેની પણ સંસદના સંકુલમાંથી જ ધરપકડ કરી લેવાઈ હતી. દિલ્હી પોલીસ ચારેય આરોપીઓને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં એન્ટી ટેરર યુનિટ અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓએ તેમની પૂછપરછ કરી હતી.
પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે સંસદ પર ‘સ્મોક એટેક’નું છ લોકોએ કાવતરું ઘડયું હતું. સંસદમાંથી પકડાયેલા ચારમાંથી કોઈની પાસે મોબાઈલ ફોન નહોતા. તેમની પાસે કોઈપણ પ્રકારનું ઓળખપત્ર અને બેગ પણ નહોતા. એક યુવકની પોલીસે ગુરુગ્રામમાંથી ધરપકડ કરી છે જ્યારે એક યુવાન હજુ ફરાર છે. આ યુવાનોએ કોઈપણ સંગઠન સાથે જોડાયેલા હોવાનો ઈન્કાર કર્યો છે. આરોપીઓએ જણાવ્યું કે, પાંચ લોકો ગુરુગ્રામમાં એક જગ્યાએ રોકાયા હતા, જ્યાં લલિત ઝા નામની વ્યક્તિએ તેમના રોકાણની વ્યવસ્થા કરી હતી. બધા જ આરોપી સોશિયલ મીડિયા મારફત એકબીજાને મળ્યા હતા.
સંસદ ભવનની બહાર પીળા અને લાલ રંગનો ગેસ છોડી દેખાવો કરનારા નીલમ અને અમોલ શીંદેને પકડીને પોલીસ લઈ જતી હતી ત્યારે નીલમે પત્રકારોને કહ્યું હતું કે તેનું નામ નીલમ છે. તેઓ વિદ્યાર્થીઓ છે અને બેરોજગાર છે. નીલમના પિતા હલવાઈ છે અને મોટો તથા નાનો ભાઈ દૂધનું કામ કરે છે.
નીલમે જણાવ્યું હતું કે, તે ભારત સરકારના શોષણનો ભોગ બની છે અને તેમણે તેમના અધિકારો માટે અવાજ ઊઠાવ્યો તો તેમને મારવામાં આવ્યા અને જેલમાં નાંખી દેવાયા. અમે કોઈ સંસ્થા સાથે સંકળાયેલા નથી. અમે બિનજરૂરી રીતે શાસનનો ભોગ બન્યા છીએ. અમારા માતા-પિતા મજૂર, ખેડૂત અને નાના દુકાનદારો છે. અમે માત્ર તાનાશાહી સામે અવાજ ઊઠાવવા આ પ્રતિકાત્મક દેખાવો કર્યા છે. ૪૨ વર્ષીય નીલમ હરિયાણાના જિંદની રહેવાસી છે અને હિસારમાં ભણતી હતી. ધરપકડ સમયે નીલમ સતત ભારત માતા કી જય અને વંદેમાતરમનો સૂત્રોચ્ચાર કરતી હતી. નીલમ ખેડૂત આંદોલનમાં પણ જોડાઈ હતી. ગામના લોકોનું કહેવું છે કે નીલમના પિતાના ઘરે નક્સલવાદી વિચારસરણી ધરાવતા લોકોની આવન-જાવન રહેતી હતી.
આ ઘટના સામે આવી ત્યારે નીલમના પરિવારને કોઈ અંદાજ નહોતો કે તે શું કરવા જઈ રહી છે. આ સમાચાર ટીવી પર આવ્યા અને લોકોએ તેમને કહ્યું ત્યારે તેમને આ બાબતનો ખ્યાલ આવ્યો હતો. જિંદ જિલ્લાના ઘસો કલાની રહેવાસી નીલમના નાના ભાઈએ કહ્યું કે, નીલમે બીએ, એમએ, બીએડ, એમએડ, સીટેટ, એમફિલ અને નેટ પાસ કર્યું છે. આટલો અભ્યાસ કરવા છતાં તેને નોકરી નહોતી મળતી. અમારી આર્થિક પરિસ્થિતિ પણ સારી નહોતી અને તણાવમાં રહેતી હતી. તે હિસારમાં રહીને સ્પર્ધાત્મક પરિક્ષાઓ આપી રહી હતી.