બંધારણ દેશનો સર્વોચ્ચ કાયદો છે તેની ઉપર કશું જ નથી. પદ્મશ્રી રમેશ પતંગે
સામાજીક સમરસતા મંચ દ્વારા ત્રણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું
ડૉ. હેડગેવાર ભવન, મણિનગર ખાતે સામાજીક સમરસતા મંચ દ્વારા પદ્મશ્રી રમેશ પતંગેના હસ્તે ત્રણ પુસ્તકો, ‘સંવિધાનની વિશેષતાઓ’, ‘આંબેડકરી અત્તરના પુમડા – ભાગ 2’, તથા ‘ભારતીય બંધારણના ઘડવૈયા-ભાગ 4’ નું વિમોચન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમના મુખ્ય વક્તા પદ્મશ્રી રમેશ પતંગે હતા. તેમણે પોતાના વક્તવ્યમાં અમેરિકાના બંધારણના પિતા ગણાતા જેમ્સ મેડિસનને ટાંકીને જણાવ્યું કે, માનવ સમાજ ન તો દેવદૂતોથી બનેલો છે. ન દેવદૂતોથી શાસિત છે, અપિતુ મનુષ્ય જ મનુષ્ય ઉપર શાસન કરે છે. જેના કારણે સમસ્યાઓ સર્જાય છે અને તેથી બંધારણની આવશ્યકતા છે. બંધારણ દેશનો સર્વોચ્ચ કાયદો છે તેની ઉપર કશું જ નથી. તેમણે આગળ જણાવ્યું કે, આપણા દેશના સંવિધાનનો આરંભ ‘અમે ભારતના લોકો….’ એવા શબ્દો થી થાય છે અર્થાત આ આપણું પોતાનું સંવિધાન
‘કાયદો તોડવા માટે જ બને છે. આ માનસિકતામાંથી બહાર આવવાની આવશ્યકતા છે. કાયદાના પાલનના સંસ્કાર પરિવારમાંથી જ અપાવા જોઈએ. અન્યાય વિરુદ્ધ આંદોલન કરવું પડે તો તે પણ કાયદાનું પાલન કરીને થવું જોઈએ. ડી. બાબાસાહેબ આંબેડકરે પણ કહ્યું હતું કે, કશું ખોટું થાય તો સંવિધાનનો દોષ નથી તેના અમલકર્તાનો છે.
બંધારણના આમુખમાં ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ છે. એમાં ‘ન્યાય’ સૌ પ્રથમ રખાયો છે અને એમાં પણ સામાજીક ન્યાય પ્રથમ છે. ત્યારબાદ આર્થિક અને રાજકીય ન્યાય રાખ્યા છે. જોકે રાજકારણની વાતો વધારે થાય છે. ડૉ. આંબેડકરે કહ્યું હતું કે, ‘ મારું તત્વજ્ઞાન ત્રણ શબ્દોમાં આવી જાય છે અને તે છે સ્વતંત્રતા, સમતા અને બંધુતા.’ આજે આ તત્વો સમાજમાં કેટલા આવ્યા તે તપાસવું જોઈએ.
સામાજિક સમરસતાના પ્રાંત સાહિત્ય આયામ પ્રમુખ મધુકાંતભાઈ પ્રજાપતિએ સંવિધાનની વિશેષતાઓ’ પુસ્તક અંગે માહિતી આપી અને ‘આંબેડકરી અત્તરના પુમડા – ભાગ-2’, તથા ‘ભારતીય બંધારણના ઘડવૈયા- ભાગ-4’ પુસ્તકોના લેખક અમિત જ્યોતિકરે પોતાના બંને પુસ્તકો અંગે માહિતી આપી હતી.
સામાજીક સમરસતા મંચના પ્રાંત મંત્રી ડૉ. વિજય ઝાલાએ સામાજીક સમરસતા મંચનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીની આંબેડકર ચેરના શ્રી બી.એ મૈત્રક, શ્રી મહેશભાઈ પરીખ (રા. સ્વ. સંઘ, કર્ણાવતી મહાનગર, સંઘચાલક), શ્રી ભરતભાઈ શાહ (રા. સ્વ. સંઘપૂર્વ કર્ણાવતી વિભાગ સંઘચાલક), ડૉ. હેમાંગભાઈ પુરોહિત (સામાજિક સમરસતા મંચ, પ્રાંત સંયોજક) શ્રી યોગેશભાઈ પારેખ (સામાજિક સમરસતા મંચ, પ્રાંતના સહ સંયોજક) સહીત તથા મંચના કાર્યકર્તાઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.