કોંગ્રેસના સાંસદ ડી.કે. સુરેશે ગુરુવારે ઉત્તર અને દક્ષિણ ભારત મુદ્દે આપેલા નિવેદનથી વિવાદ છેડાઈ ગયો છે. કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડી. કે.શિવકુમારના ભાઈ ડી.કે.સુરેશે આરોપ લગાવ્યા છે કે કર્ણાટકને કેન્દ્ર સરકાર પૂરતા નાણા નથી આપી રહી. તેથી તેમની પાસે દક્ષિણ ભારતના અલગ રાજ્યની માગણી કરવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. ડી.કે. સુરેશના આ નિવેદન પછી ભાજપે વળતો હુમલો કરીને કોંગ્રેસ પર ફૂટ પાડો અને રાજ કરોનું રાજકારણ રમવાના આરોપ લગાવ્યા છે.
બેંગ્લોરના કોંગ્રેસના સાંસદ ડી.કે.સુરેશે વચગાળાના બજેટ મુદ્દે કહ્યું હતું કે આ ચૂંટણીલક્ષી બજેટ છે. વચગાળાના બજેટમાં માત્ર નામ બદલવામાં આવ્યા છે. યોજનાઓના કેટલાક સંસ્કૃત અને હિંદી નામ પેશ થયા છે. કેન્દ્ર સરકાર દક્ષિણ ભારતના રાજ્યોને જીએસટી અને પ્રત્યક્ષ કરોમાં ભાગનો અધિકાર યોગ્ય રીતે નથી આપી રહી. દક્ષિણ ભારતના રાજ્યોને અન્યાયનો સામનો કરવો પડે છે. દક્ષિણ ભારતના રાજ્યોમાંથી ભેગું કરેલું ધન ઉત્તર ભારતને આપવામાં આવે છે. જો આવું જ ચાલતું રહેશે તો અમે એક અલગ દેશની માગણી કરવા મજબૂર બનીશું.અમારા તરફથી કેન્દ્રને રૂપિયા ૪ લાખ કરોડ પ્રાપ્ત થઈ રહ્યા છે. બદલામાં અમને જે મળે છે તે નગણ્ય છે. આપણે આ મુદ્દે સવાલ ઉઠાવવો પડશે. જો બધું ઠીક ના થાય તો તમામ દક્ષિણના રાજ્યોએ અલગ રાજ્યની માગણી માટે અવાજ ઉઠાવવો પડશે.
ડી.કે. સુરેશના આ નિવેદનને મુદ્દે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ નિશાન સાધતાં જણાવ્યું હતું કે કોંગ્રેસનો ઇતિહાસ ફૂટ પાડો અને રાજ કરોનો રહેલો છે. તેમણે એક્સ પરની પોસ્ટમાં લખ્યું કે એક તરફ તેમના નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા સાથે દેશને જોડવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ એક સાંસદ દેશને તોડવા મેદાને ઊતર્યા છે.