પાંચ રાજ્યના ચૂંટણી પરિણામો બાદ ગુજરાત ભાજપ લોકસભા ચૂંટણીના એક્શન મોડમાં આવી ગઈ છે. પેજ સમિતિના સોફટવેર અંગેની તાલીમ માટે ગાંધીનગર ખાતે આવેલ કમલમમાં ખાસ બેઠક મળી છે. જેમાં ગુજરાત ભાજપના ધારાસભ્યો અને જિલ્લા મહાનગરના પ્રમુખોની ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બોલાવવામાં આવ્યા છે.
આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહેવાના હોવાની માહિતી મળી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની આગેવાનીમાં આ બેઠક મળવાની છે. બેઠકમાં પેજ સમિતિના સોફ્ટવેર અંગેની ટેક્નિકલ તાલીમ આપવામાં આવશે. લોકસભા ચૂંટણીને લઈને આગામી કાર્યક્રમો અને તૈયારીઓ સંદર્ભે રોડ મેપ નક્કી કરાશે. ભારતીય જનતા પાર્ટી એ પેજ કમિટી સોફ્ટવેર અને તેની કામગીરી પર ટેકનિકલ તાલીમ માટે તમામ મંત્રીઓ ઉપરાંત વિધાનસભાના તમામ પક્ષના સભ્યો, જિલ્લા અને શહેર એકમના પ્રમુખો અને મહાસચિવોને બોલાવ્યા છે. આ બેઠક પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં યોજાઈ છે.
કમ્પ્યુટર સહાયકોને કામગીરી માટે તાલીમ
પાર્ટીના ધારાસભ્યોની સાથે તેમના કોમ્પ્યુટર સહાયકોને પણ બેઠકમાં આવવા માટે કહેવામાં આવ્યું છે. પેજ સમિતિઓનું સંચાલન હાલમાં રાજ્ય ભાજપ સ્તર દ્વારા કરવામાં આવે છે. જો કે તે જાણવા મળ્યું છે કે ડેટા વિધાનસભા વિભાગ અને જિલ્લા મુજબ અલગ પાડવામાં આવ્યો છે. સંબંધિત ધારાસભ્યો અને જિલ્લા/શહેર સંગઠનના પદાધિકારીઓને તેની ઍક્સેસ આપવામાં આવશે અને તેમના કમ્પ્યુટર સહાયકોને કામગીરી માટે તાલીમ આપવામાં આવશે.
પાટીલે ટેકનોલોજીનો જબરદસ્ત ઉપયોગ કર્યો
ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે માઈક્રો પ્લાનિંગ માટે જાણીતી છે. આવી જ રીતે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રદેશ ભાજપ દ્વારા માઈક્રો પ્લાનિંગ ગોઠવી દેવામાં આવ્યું છે. જે અંતર્ગત પ્રાથમિક સભ્ય, સક્રિય સભ્ય, પેજ પ્રમુખ, બુથ પ્રમુખ, શક્તિ કેન્દ્ર અને મંડળ સુધી પોતાના કાર્યકરોની ફોજ તૈયાર કરી દીધી છે. નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ દેશમાં લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે મતથી વિજેતા થાય છે. એ માટે પાટીલે ટેકનોલોજીનો જબરદસ્ત ઉપયોગ કર્યો છે. ગુજરાતમાં 156 સીટોની રેકોર્ડબ્રેક જીત પાછળ પણ પાટીલનું ભેજું કામ કરે છે.
પાટીલનું આયોજન ભાજપને જીતાડવમાં મદદરૂપ થશે
લોકસભાની ચૂંટણીમાં પણ પાટીલે 5 લાખથી વધારે વોટથી જીતવાનો લક્ષ્યાંક મૂક્યો છે. કહેવાય છે કે 26માંથી 20 સીટો પર ઉમેદવાર બદલાય તેવી સંભાવના વચ્ચે પણ પાટીલનું આયોજન ભાજપને જીતાડવમાં મદદરૂપ થશે. કમલમથી તો લોકસભાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પણ પાટીલ ગાંધીનગર ના હોય તો પણ લોકસભાની તૈયારીમાં તેજી આવી જશે. હવે એક નહીં 2 જગ્યાએથી લોકસભાની ચૂંટણી લડાય તો પણ નવાઈ નહીં.
નોંધનીય છે કે, સીઆર પાટીલ હંમેશાં એડવાન્સ પ્લાનિંગ માટે જાણીતા છે. જેઓએ નવેમ્બર મહિનાના અંતમાં સુરતમાં એમની માતાના હસ્તે નવી ઓફિસનું ઉદ્ધાટન કરી દીધું છે. પાંચ માળના ભવ્ય બિલ્ડીંગમાં ત્રીજા માળે મીટિંગ રૂમ બનાવવામાં આવ્યો છે. આ બિલ્ડિંગ CCTV અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે.