સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોવાઈડર સ્ટારલિંક ભારતમાં એન્ટ્રી કરવા જઈ રહ્યું છે. દેશના ટોચના ટેલિકોમ પ્રોવાઈડર જિઓ અને એરટેલે સ્ટારલિંક સાથે મળી ઈન્ટરનેટ સેવાઓ આપવા કરાર કર્યા છે. પરંતુ કેન્દ્ર સરકારે સ્ટારલિંકના ભારતમાં પ્રવેશ મુદ્દે કેટલીક શરતો મૂકી છે. સેટેલાઈટ વેન્ચર સ્ટારલિંકે ભારતમાં એક કંટ્રોલ સેન્ટર સ્થાપિત કરવુ પડશે. જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. તદુપરાંત સંવેદનશીલ અને અશાંત વિસ્તારોામં ટેલિકોમ્યુનિકેશન સર્વિસિઝ સસ્પેન્ડ કે બંધ કરી શકાય તેવુ માળખું ગોઠવવું પડશે.
સુરક્ષા સ્થાપિત કરવા કાયદા અમલીકરણ એજન્સીઓ વતી સત્તાવાર ચેનલ્સ દ્વારા કોલ ઇન્ટરસેપ્શનને મંજૂરી આપવા માટે આદેશો આપવામાં આવ્યા છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે સેટેલાઇટ કોમ્યુનિકેશન લાયસન્સ માટે સ્ટારલિંકની અરજી અંતિમ તબક્કામાં છે. સ્ટારલિંક માર્કેટિંગ, ડિપ્લોયમેન્ટ અને નેટવર્કના વિસ્તરણ માટે રિલાયન્સ જિયો અને એરટેલ સાથે કરાર કરી રહી છે.
કંટ્રોલ સેન્ટરનું મહત્વ:
-
કાયદો અને વ્યવસ્થા
- દેશના કોઈપણ ભાગમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં અચાનક ફેરફાર થાય ત્યારે કંટ્રોલ સેન્ટર તાત્કાલિક કાર્યવાહી કરી શકે.
- ખાસ કરીને અશાંતિ કે સુરક્ષાને ધમકી ઉભી થાય, ત્યારે સેટેલાઇટ અને કોમ્યુનિકેશન સેવાઓ નિયંત્રિત કરી શકાય.
-
તાત્કાલિક પ્રતિસાદ અને સંચાલન:
- કંટ્રોલ સેન્ટર હોવાને કારણે સ્ટારલિંક કે અન્ય વિદેશી કંપનીઓ સાથે વિલંબ વિના દેશની અંદર જ નિર્ણયો લેવામાં સહાય મળશે.
- સ્ટ્રેટેજિક અને રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્થાનિક સ્તરે કમાન્ડ અને નિયંત્રણ રહેવું અનિવાર્ય છે.
-
સેટેલાઇટ સેવાનો સ્થાનિક સંચાલન:
- કોઈપણ અણધારી પરિસ્થિતિ કે નેશનલ ઈમરજન્સી સમયે, સરકાર અથવા સશસ્ત્ર દળો સીધું જ કંટ્રોલ સેન્ટર દ્વારા નિર્ણયો લઈ શકે.
- વિદેશી હેડક્વાર્ટર પર આધાર રાખ્યા વગર, સ્થાનિક સ્તરે જ સેટેલાઇટ સેવાઓનું સંચાલન અથવા નિયંત્રણ શક્ય બને.
-
સંપ્રેષણ અને કનેક્ટિવિટીના ફાયદા:
- કંટ્રોલ સેન્ટર દ્વારા હવામાન, સંચાર, સંરક્ષણ, અને ટેલિકોમ સેવાઓના નિયંત્રણ અને સંચાલનમાં ઝડપી નિર્ણયો લઈ શકાય.
- નિર્દેશિત ક્ષેત્રોમાં ઇન્ટરનેટ અથવા સેટેલાઇટ સેવાઓ અટકાવવી અથવા પુનઃસ્થાપિત કરવાની કામગીરી સ્થાનિક સ્તરે થઈ શકે.
આથી, દેશની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાનું સંચાલન, તેમજ તાત્કાલિક પ્રતિસાદ માટે એક સ્થાનિક કંટ્રોલ સેન્ટર હોવું અત્યંત મહત્વપૂર્ણ છે.
શું કહે છે ટેલિકોમ લૉ?
ટેલિકોમ લૉમાં એવી જોગવાઈઓ છે જે કેન્દ્ર અથવા રાજ્ય સરકારને આપત્તિ વ્યવસ્થાપન સહિત જાહેર કટોકટી અથવા જાહેર સલામતીના હિતમાં અધિકૃત સંસ્થા પાસેથી કોઈપણ ટેલિકોમ્યુનિકેશન સેવા અથવા નેટવર્કનો ‘અસ્થાયી કબજો’ લેવાની મંજૂરી આપે છે. આ સિવાય ઈન્ટરનેટ બંધ કરવાની પણ જોગવાઈઓ છે. ઇન્ટરસેપ્શનના મુદ્દા પર, સૂત્રોએ સ્પષ્ટતા કરી હતી કે ‘આ કંઈ નવું નથી’ અને તે જિઓ, એરટેલ, અને વોડાફોન આઈડિયા જેવી કંપનીઓ દ્વારા સંચાલિત હાલના ટેરેસ્ટ્રીયલ નેટવર્ક માટે પણ ફરજિયાત છે.