એક્સાઇઝ પોલિસીના કથિત કૌભાંડમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડીને ૨૩મી એપ્રીલ સુધી લંબાવી દેવામાં આવી છે. જેને પગલે દિલ્હીના મુખ્યમંત્રી હાલ જેલમાંથી બહાર નહીં આવી શકે, આ દરમિયાન તેઓ જેલમાં રહીને જ દિલ્હીની સરકાર ચલાવશે. જેને કારણે વિવાદ વધી શકે છે.
૧૫મી તારીખે કેજરીવાલની કસ્ટડી પૂર્ણ થતા તેમને દિલ્હીની એવેન્યૂ કોર્ટમાં હાજર કરાયા હતા, કોર્ટે કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ૨૩મી એપ્રીલ સુધી લંબાવી હતી. બીજી તરફ કેજરીવાલ દ્વારા ઇડીની ધરપકડ સામે દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરાઇ હતી જેને ફગાવી દેવાતા બાદમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સોમવારે સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અપીલની સુનાવણી કરી હતી. સાથે જ ઇડી પાસેથી આ મુદ્દે જવાબ માગ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલ તરફથી હાજર વરીષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે હું આપની સમક્ષ ચોંકાવનારુ સત્ય રજુ કરી રહ્યો છું. જે બાદ કોર્ટે કહ્યું કે અમે નોટિસ જારી કરીએ છીએ. સુપ્રીમ કોર્ટે ઇડીને નોટિસ પાઠવીને આ સમગ્ર મામલે જવાબ માગ્યો છે. ઇડીને જવાબ રજુ કરવા માટે ૨૪મી એપ્રીલ સુધીનો સમય આપ્યો છે. તેથી હવે આ મામલે મહિનાના અંતિમ સપ્તાહે સુનાવણી કરવામાં આવશે. જ્યારે ૨૩મી એપ્રીલે કેજરીવાલની કસ્ટડી પૂર્ણ થાય તે બાદ તેમને વીડિયો કોન્ફરંસ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન ૧૯મીએ જ્યારે બીજા તબક્કાનું ૨૬મીએ થવાનું છે. જેને પગલે પ્રથમ તબક્કા સુધી કેજરીવાલ જેલમાં જ રહેશે.