પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે 1960માં થયેલી સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ કરી દીધી છે અને હવે આ મામલે વિશ્વ બેંકનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. વિશ્વ બેંકના અધ્ય અજય બંગાએ કહ્યું છે કે, આ સંધીમાં અમારી ભૂમિકા માત્ર ફેસિલિટેટર એટલે કે મધ્યસ્થીની છે. બંને દેશો વચ્ચે તાજેતરમાં જ આ સમજૂતી મામલે ઘર્ષણ થયું છે, જોકે અમે તેને ઉકેલવા માટે હસ્તક્ષેપ નહીં કરીએ.
"We have no role to play beyond a facilitator. There’s a lot of speculation in the media about how the World Bank will step in & fix the problem but it’s all bunk. The World Bank’s role is merely as a facilitator," World Bank President, Ajay Banga on Indus Waters Treaty… pic.twitter.com/s19jkAl7WG
— ANI (@ANI) May 9, 2025
‘વિશ્વ બેંક સમજૂતીમાં હસ્તક્ષેપ નહીં કરે’
અજય બંગાએ એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘અમારી ભૂમિકા માત્ર સુવિધા આપવા સુધી સીમિત છે. સમજૂતી વખતના નિર્ણય મુજબ વિશ્વ બેંક તે ટ્રસ્ટના ફંડથી તટસ્થ નિષ્ણાત અથવા મધ્યસ્થી કોર્ટની નિમણૂક માટે ફીની ચુકવણી કરે છે. આ સિવાય અમારી તેમાં કોઈ ભૂમિકા નથી.’ આ સાથે તેમણે ભારપૂર્વક કહ્યું કે, વિશ્વ બેંક આ દ્વિપક્ષીય મુદ્દામાં હસ્તક્ષેપ નહીં કરે.
ભારતે સસ્પેન્ડ કરી સિંધુ જળ સમજૂતી
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયા બાદ ભારતે સિંધુ જળ સમજૂતીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દીધી છે. વિશ્વ બેંકના અધ્યક્ષે કહ્યું છે કે, ‘અમારી ભૂમિકા માત્ર મધ્યસ્થીની છે. અટકળો ચાલી રહી છે કે, વિશ્વ બેંક સમજૂતીમાં હસ્તક્ષેપ કરી મામલો ઉકેલશે, જોકે આ અહેવાલ પાયાવિહોણા છે.’ ભારત અને પાકિસ્તાન વચ્ચે નવ વર્ષ સુધી ચર્ચા-વિચારણા થયા બાદ 1960માં સિંધુ જળ સમજૂતી (India-Pakistan Indus Water Agreement) થઈ હતી. વિશ્વ બેંકની મધ્યસ્થતાથી આ સમજૂતી થઈ હતી અને તેમાં તેણે પણ હસ્તાક્ષર કર્યા હતા.
કયા દેશને કેટલું પાણી મળે છે?
સિંધુ જળ સંધિ હેઠળ પશ્ચિમ તરફની ત્રણ નદીઓ સિંધુ, ચિનાબ અને ઝેલમનું પાણી પાકિસ્તાનને ફાળે ગયું હતું. પૂર્વ તરફની ત્રણ નદીઓ રાવી, બિયાસ અને સતલજનું પાણી ભારતને ફાળવવામાં આવ્યું હતું. અલબત્ત, પાકિસ્તાનને ફાળે ગયેલી ત્રણ નદીઓનો ઉદ્ભવ ભારતમાં જ થતો હોવાથી, એ નદીઓનું 20 ટકા પાણી ભારત વાપરી શકશે, એવા કરાર થયા હતા. આ પાણી ભારત ખેતી માટે ઉપયોગમાં લઈ શકશે.