ભારત અને માલદીવ વચ્ચે અત્યારે તણાવ ચાલી રહ્યો છે, ત્યારે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘માલદીવમાં ત્રણ ઉડ્ડયન પ્લેટફોર્મનું સંચાલન કરતા લશ્કરી કર્મચારીઓને ‘સક્ષમ’ ભારતીય ટેકનિકલ કર્મચારીઓ સાથે બદલવામાં આવશે.’
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે,’માલદીવમાં હાલના કર્મચારીઓને સક્ષમ ભારતીય ટેકનિકલ કર્મચારીઓ દ્વારા બદલવામાં આવશે. ભારત ત્રણેય ઉડ્ડયન પ્લેટફોર્મ પરથી તેના સૈનિકોને હટાવવા માટે સંમત થયું છે. લશ્કરી કર્મચારીઓને 10 માર્ચ સુધીમાં એક પ્લેટફોર્મ પરથી અને 10 મે સુધીમાં બાકીના બે પ્લેટફોર્મ પરથી બદલવામાં આવશે.’
માલદીવમાં 70 ભારતીય સૈનિકો તહેનાત
વર્ષે 2023માં યોજાયેલી ચૂંટણીમાં મોહમ્મદ મુઈજ્જુએ ઈન્ડિયા આઉટનો નારો આપ્યો હતો. તેમણે કહ્યું કે માલદીવમાં વિદેશી સૈનિકોની કોઈ જરૂર નથી અને તેમની હાજરી દેશની સંપ્રભુતા માટે ખતરો છે. સત્તામાં આવ્યા પછી પણ આ મુદ્દો રાષ્ટ્રપતિ મુઈજ્જુએ ભારતીય સૈનિકોને 15 માર્ચ સુધીમાં માલદીવ છોડી દેવાનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું. હાલમાં, લગભગ 70 ભારતીય સૈનિકો માલદીવમાં ડોર્નિયર 228 મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને બે એચએએલ ધ્રુવ હેલિકોપ્ટર સાથે તહેનાત છે.
માલદીવ માટે 770.9 કરોડ રૂપિયાનું બજેટ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ‘માલદીવને બજેટ દ્વારા 770.9 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે જે પહેલા કરતા વધુ છે. જ્યારે, અગાઉ તેનો અંદાજ 600 કરોડ રૂપિયા હતો. જો કે, વધુ માહિતી મેળવ્યા બાદ નવા આંકડાઓ સુધારીને જાહેર કરવામાં આવશે.’