હવે ટેક્નોલોજીનો જમાનો છે અને યુદ્ધોમાં પણ તેનો ભરપૂર ઉપયોગ થાય છે. ડ્રોન દ્વારા હુમલા, સેટેલાઈટ તોડી પાડવાના પ્રયાસો, એપ્સ દ્વારા જાસૂસી વગેરે તેનાં ઉદાહરણો છે. બીજી તરફ યુદ્ધના કેટલાક પાયાના સિદ્ધાંતો છે. જે કોઈ પણ સંજોગોમાં ખાસ બદલાતા નથી. જેમ કે કોઈ દેશમાં દુશ્મન દેશે કેટલી પેશકદમી કરી કે કેટલી ઘૂસણખોરી કરી તેના આધારે તેની તાકાત ખબર પડે.
આકાશમાં વિમાનો-મિસાઈલ્સ લડતાં હોય, પાણીમાં યુદ્ધજહાજો અને સબમરીનો ફરી વળતી હોય.. એ બધા વચ્ચે પણ દુશ્મનની કેટલી જમીન તાબામાં આવી એ મહત્ત્વનું છે. અને દુશ્મનની જમીન તાબામાં લેવા સૌથી મહત્ત્વનું કોઈ હથિયાર હોય તો એ ટેન્ક એટલે કે રણગાડી છે.
ભારતે સ્વદેશી લાઈટ (હળવાં વજનની) રણગાડી તૈયાર કરી છે. ચીનને હરાવનારા 19મી સદીના ડોગરા જનરલ જોરાવરસિંહના નામે તેને ‘જોરાવર ટેન્ક’ નામ આપ્યું છે. લાઈટ હોવા છતાં તેનું વજન 25 ટન છે પરંતુ ટેન્કના માપ મુજબ તો એ હળવી જ ગણાય. કેમ કે મેઈન બેટલ ટેન્ક (એમબીટી) તો 45થી માંડીને 65 ટન સુધીના વજનની હોય છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)એ તૈયાર કરેલી ટેન્કનું રણભૂમિમાં પરીક્ષણ શરૂ કરી દેવાયું છે. જો પરીક્ષણમાં ખાસ વાંધા-વચકા નહીં નીકળે તો એપ્રિલમાં ભારતીય સૈન્ય દ્વારા તેનો વપરાશ શરૂ થશે.
આ ટેન્કમાં અમેરિકી બનાવટનું એન્જિન વપરાયું છે. એ સિવાયની ઘણી સામગ્રી સ્વદેશી છે. તોપણ ભારત પાસે મુખ્યત્વે આઝાદી વખતથી રશિયન બનાવટની (ટી-90, ટી-72 વગેરે) ટેન્કો છે. તેમાં આ સ્વદેશી ટેન્ક ઉમેરાય એ મહત્ત્વની વાત છે. આ પહેલા એન્જિન જર્મન કંપની પાસેથી ખરીદવાનાં હતાં પણ જર્મન સરકારે એ માટે આના-કાની કરી એમાં અમેરિકા સાથે ડીલ થઈ.
ઓછું વજન જોરાવરની એક વિશેષતા છે. બીજી વિશેષતા એ છે કે એ ઊંચાઈ પર આસાનીથી કામ આપી શકે એમ છે. સામાન્ય રીતે ટેન્કો સપાટ મેદાનો પર કામ લાગતી હોય છે પણ જોરાવરને ખાસ તો ચીન સાથેની હિમાલયન સરહદ ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે. કેમ કે ચીન સરહદે સંઘર્ષ વધવાનો જ છે. લદ્દાખમાં 2020માં ચીન સાથે સંઘર્ષ થયા પછી ભારતીય સૈન્ય જરાય ગફલતમાં રહેવા માંગતું નથી. ટેન્કો પરદેશથી ખરીદીને પરદેશી કંપનીઓ પર નિર્ભર રહેવાનો પણ અર્થ નથી માટે ભારતે સ્વદેશી ટેન્ક ઉત્પાદનને વેગ આપ્યો છે. એ પૈકીની નમૂનારૂપ ટેન્કો (પ્રોટોટાઈપ) તૈયાર થઈ ગઈ છે અને વિવિધ પરીક્ષા આપી રહી છે. ટેન્કના પરીક્ષણમાં શું શું જોવામાં આવે?
જોરાવર ટેન્કનું પરીક્ષણ થઈ રહ્યું છે. એ વખતે આટલા મુદ્દા ખાસ તપાસવાના હોય છે.
ઝપડઃ યુદ્ધ મેદાનમાં ટેન્કે ઝડપથી ભાગવું પડે. ટૂંકા સમયમાં વધુને વધુ પ્રદેશ અંક કરવાનો હોય છે.
ચપળતા: ઝડપ ઉપરાંત ડાબે-જમણે આગળ- પાછળ વપવાની ક્ષમતા પણ મહત્વની છે. તો જ દુશ્મન દ્વારા થતાં ફાયરિંગમાં બચી શકાય. વજનદાર હોવા છતાં ચપળ રહેવું એ ટેન્કની મુખ્ય જરૂરિયાત છે.
મશીનરી : દરેક મોરચે, ઊંચી-નીચી ભૂમિ પર, ઉબડ-ખાબડ કે સપાટ જમીન પર તમામ મશીનરી બરાબર કામ કરવી જોઈએ.
ફાયર પાવર : ટેન્કનું મુખ્ય શસ્ત્ર તેની તોપ છે. એ તોપમાંથી નિર્ધારિત માત્રામાં ગોળા ફેંકાવા જોઈએ. એ ઉપરાંત મશીનગનો પણ સતત કામ આપવી જોઈએ.
બખ્તરની મજબૂતી : ટેન્કનું વજન વધારે હોવાનું મુખ્ય કારણ તેનું લોખંડી બખ્તર છે. બખ્તર ખૂબ જાડું હોવા છતાં એન્ટી ટેન્ક મિસાઈલનો પ્રહાર થાય ત્યારે એ તૂટી પડતું હોય છે. એ સમયે ટકી રહેવું જોઈએ. એમ્ફિબિયસ : બધી ટેન્ક એમ્ફિબિયસ એટલે કે જમીન અને પાણી બન્ને પર ચાલી શકે એવી નથી હોતી, પણ આ ટેન્ક છે. માટે એ ક્ષમતાનું પણ પરીક્ષણ થઈ રહ્યું છે.
સુરંગ સામે ટકવાની ક્ષમતા : ટેન્કો આગળ ન વધી શકે એટલે દરેક દેશ સળગતી સરહદે સુરંગ અર્થાત લેન્ડ માઈન્સ બિછાવી રાખે. એ સુરંગ એરિયામાંથી પસાર થતી વખતે ટેન્ક પોતે વિસ્ફોટમાં ઊડી જાય છે કે કેમ એ જોવાનું રહે.
આ ઉપરાંત નિશાનેબાજી, રાતે કામ કરવાની ક્ષમતા. ગુપ્ત રહેવાની ક્ષમતા, ધરી પર ફરવાની ઝડપ.. વગેરે અસંખ્ય મુદ્દા ટ્રાયલ દરમિયાન તપાસાતા હોય છે. એ બધામાં પાસ થવું અત્યંત અઘરું છે. માટે જ ટેન્કો કે તેના જેવાં કદાવર હથિયારોના પરીક્ષણમાં ઘણી વખત મહિનાઓ નીકળી જતાં હોય છે. હવેની ટેન્કો ડ્રોન સાથે કામ પાર પાડી શકે એવી હોય છે. કેમ કે ઉપર રહીને ડ્રોન દુશ્મન સ્થિતિ પર નજર રાખી શકે છે. એ માહિતી ટેન્કના સંચાલકને મળે અને તેના આધારે નિશાન નક્કી કરી ગોળા છોડી શકે. હળવાં વજનની હોવાનો એક મોટો ફાયદો એ થાય કે તેને એર લિફ્ટ કરી શકાય. બાકી તો લદ્દાખના પંદર- સત્તર હજાર ફીટ ઊંચા રણમોરચે તેને પહોંચાડવામાં જ દિવસો લાગી જાય જે યુદ્ધ જેવા સમયે હોતા નથી.
એક સમય હતો જ્યારે યુદ્ધ મેદાનમાં ભારેખમ ટેન્કો વપરાતી હતી. પહેલા વિશ્વયુદ્ધ વખતે બ્રિટને જ્યારે પહેલી વાર ટેન્કને મેદાનમાં ઉતારી ત્યારે તો દુશ્મનો છક્ક થઈ ગયા હતા. એ વખતે તેનું નામ ટેન્ક નહીં પણ ‘લેન્ડ બેટલશિપ’ (જમીન પરનું યુદ્ધજહાજ) એવું હતું. એ પછી ભારેખમ ટેન્કોનો જમાનો આવ્યો, જે જોઈને જ દુશ્મનો ડરી જાય.
હવે હળવી પણ શક્તિશાળી ટેન્કોનો યુગ છે. જોરાવર એ કેટેગરીની જ ટેન્ક છે. ભારતના યુદ્ધ ઈતિહાસમાં તો ટેન્કોનું મહત્ત્વ રહ્યું જ છે. 1971ના યુદ્ધ વખતે પાકિસ્તાને રાજસ્થાનમાં ચોકી કબજે કરવા ટેન્કની ફોજ મોકલી હતી. એકલા મેજર ચાંદપુરીએ થોડાક સૈનિકો સાથે ટેન્કોને રોકી રાખી હતી. સવાર પડ્યે એ ટેન્કો પર વાયુસેનાએ પ્રહાર કર્યો હતો. તો વળી 1965ના બેટલ ઓફ અસલ ઉત્તર જંગ વખતે તો બન્ને દેશની એટલી બધી ટેન્કો સામસામે આવી હતી કે જગતના સૌથી મોટા ટેન્કયુદ્ધોમાં તેનો સમાવેશ થાય છે.
હવે એવાં યુદ્ધો ન કરવાના થાય એટલા માટે સજ્જ ટેન્કો હોવી જરૂરી છે.
જનરલ જોરાવર કોણ હતા?
- જગતના મહાન યોદ્ધાઓની વાત આવે ત્યારે નેપોલિયન યાદ આવે કે પછી અમેરિકી જનરલ પેટનનું નામ લેવાય. એ બધાને ઝાંખા પાડે એવું કામ જનરલ જોરાવરસિંહે કર્યું હતું. પણ ઈતિહાસકારોએ તેમના પ્રત્યે ઓરમાયું વર્તન રાખ્યું એટલે એ નામ ખાસ જાણીતું નથી.
- જમ્મુના મહારાજા ગુલાબસિંહના એ સેનાપતિ હતા. 1784માં જન્મેલા જોરાવરસિંહે છેક તિબેટમાં ઊંડે સુધી જઈને ચીની સેનાને હંફાવી હતી. તિબેટ પર ચીનીઓનો કબજો થાય તો ભારતને મુશ્કેલી થાય એ ત્યારે પણ તેઓ સમજતા હતા. એટલે ચીનાઓને દૂર રાખવા લડત આપી હતી. એ લડતમાં જ તેઓ શહીદ થયા હતા માટે આજે તેમની સમાધિ ચીન કબજાના તિબેટમાં છે.
- લેહમાં આવેલો કિલ્લો તેમણે જ બંધાવ્યો હતો જેથી શહેર દુશ્મનોથી સુરક્ષિત રહી શકે. એ કિલ્લો આજે ‘જોરાવર ફોર્ટ’ તરીકે ઓળખાય છે. લદ્દાખ જેવા જનરલ જોરાવરસિંહની યુદ્ધભૂમિ રહી ચૂકેલા સ્થળે લડત આપવા માટેની ટેન્કને તેમનું નામ અપાય એ યથાયોગ્ય જ છે.