ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં તંત્રે ગેરકાયદેસર કબજાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન આરોપી વીરા સુલેમાન નિગામ દ્વારા જાહેર હિતના પ્લોટ પર કરાયેલ ગેરકાયદેસર દબાણને દૂર કરવા બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, આરોપી વીરા સુલેમાન નિગામે સહજાનંદ સોસાયટી વિસ્તારમાં આવેલા સર્વે નંબર 5/1ના જાહેર પ્લોટ પર આશરે 9,500 ચોરસ ફૂટ વિસ્તારમાં ચાર પાકા ઓરડા અને વરાંડા બાંધી ગેરકાયદેસર કબજો કર્યો હતો.
તંત્રના જણાવ્યા અનુસાર, આરોપી વિરુદ્ધ અગાઉથી શરીર સંબંધિત ગુનાઓના કેસ નોંધાયેલા છે, જેના કારણે તેની પ્રવૃત્તિઓ પર તંત્રની નજર હતી. ગુરુવારે સવારે સ્થાનિક પ્રશાસન, પોલીસ દળ અને સંબંધિત વિભાગોની હાજરીમાં આ સ્થળે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ હતી. બુલડોઝર દ્વારા પૂરી રચના તોડી પાડવામાં આવી અને ગેરકાયદેસર દબાણને દૂર કરવામાં આવ્યું હતું.
આ કાર્યવાહી બાદ ગામમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોમાં તંત્રની આ દૃઢ કામગીરીની પ્રશંસા થઈ રહી છે. અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં જાહેર હિતના પ્લોટ, સરકારી જમીન અથવા ગામની ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરનારાઓ સામે પણ સમાન કડક પગલાં લેવામાં આવશે. તંત્રનો હેતુ ગામના જાહેર હિતના વિસ્તારોને કબજામુક્ત રાખવાનો અને ભવિષ્યમાં આવા કૃત્યોને રોકવાનો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel