પાકિસ્તાન ઓક્ટોબરમાં CHG બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. જેના માટે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. જોકે, આ બેઠક માટે પાકિસ્તાનના આમંત્રણ પર ભારત સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. અત્યાર સુધીના સંબંધો અને સંજોગો પર નજર કરીએ તો પીએમ મોદીના ઇસ્લામાબાદ જવાનો સવાલ જ ઊભો થતો નથી. ત્યારે આ બધા વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે સરકારની પાકિસ્તાન નીતિમાં સ્પષ્ટ ફેરફારનો સંકેત આપતા કહ્યું કે ‘સતત વાતચીતનો યુગ પૂરો થઈ ગયો છે.’ સાથે જ એ પણ સ્વીકાર્યું કે નવી દિલ્હી સરહદ પારની ઘટનાઓનો જવાબ આપવા માટે તૈયાર છે, ‘પછી તે સકારાત્મક હોય કે નકારાત્મક’.
દિલ્હીમાં એક ખાનગી કાર્યક્રમમાં તેમણે ભારત પર આતંકવાદી હુમલાને સમર્થન આપનારાઓને કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે આવી ‘કાર્યવાહીના પરિણામો પણ હોય છે.’ હવે પાકિસ્તાન સાથેના સંબંધો અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ‘મુદ્દો એ છે કે આપણે પાકિસ્તાન સાથે કયા પ્રકારના સંબંધો પર વિચાર કરી શકીએ છીએ.’
આતંકવાદ અને વાતચીત એક સાથે નહીં
માર્ચમાં સિંગાપોરની મુલાકાતે ગયેલા જયશંકરે પાકિસ્તાન દ્વારા આતંકવાદ અને આતંકવાદી પ્રવૃત્તિઓને ‘લગભગ ઉદ્યોગ સ્તર’ પર પ્રાયોજિત કરવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘ભારત આ સમસ્યાથી બચશે નહીં. તમે એવા પાડોશી સાથે કેવી રીતે વ્યવહાર કરશો કે જેઓ એ વાતને છુપાવતા નથી કે તે આતંકવાદનો ઉપયોગ શાસન કળાના સાધન તરીકે કરે છે? આ એક વખતની વાત નથી… પરંતુ ખૂબ જ સતત છે, લગભગ ઉદ્યોગ સ્તરે.’ તેમણે ત્યારે સંકેત આપ્યો કે નવી દિલ્હી, જોકે, વિવાદોના ઉકેલ માટે હંમેશા મૈત્રીપૂર્ણ વાતચીત માટે તૈયાર રહેશે. પરંતુ આ ભારત અને ભારતીયો પર સતત આતંકવાદી હુમલાઓની કિંમત પર ન હોઈ શકે.
આતંકવાદ પર ઝીરો ટોલરન્સ
વિદેશ મંત્રી એસ જયશંકરે સિંગાપોરમાં કહ્યું કે ‘મારી પાસે આ મુદ્દાનો કોઈ તાત્કાલિક ઉકેલ નથી… પરંતુ હું તમને કહી શકું છું કે ભારત હવે આ સમસ્યાથી નહીં બચે. અમે એમ નથી કહેવા જઈ રહ્યા કે ઠીક છે, આ થયું અને હવે આપણે અમારી વાતચીત ચાલુ રાખવી જોઈએ. આપણે અન્ય દેશોને ખુલી છૂટ ન આપવી જોઈએ.’ થોડા મહિનાઓ પહેલા જયશંકરે સીમા પાર આતંકવાદ પર ભારતના ઝીરો ટોલરન્સના વલણ પર ફરીથી ભાર આપ્યો હતો અને એ સ્પષ્ટ કર્યું હતું કે નવી દિલ્હી કોઈ પણ હાલતમાં આતંકવાદી હુમલાઓને અવગણશે નહીં.’