હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનું અનેરૂ મહત્વ રહેલું છે લોકોની દેવી-દેવતાઓમાં અટૂટ શ્રદ્ધા હોય છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર અને ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા નડેશ્વરી માતાનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિરે ખાસ બીએસએફના જવાનો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે અને કહેવાય છે કે નડેશ્વરી માતાએ ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે બીએસએફના જવાનોની સાક્ષાત રક્ષા કરી હતી. તે સમયથી આજ દિન સુધી બીએસએફના જવાનો બે સમય માં નડેશ્વરીની પૂજા અર્ચના કરે છે અને ભાવિકો પણ દૂર દૂરથી માં નડેશ્વરી માતાના દર્શન કરવા માટે આવે છે.
અફાટ રણની વચ્ચે માં નડેશ્વરીના મંદિરના દર્શન
કચ્છનુ મોટુ રણ, ભારત પાકિસ્તાન સરહદ અને સરહદી વિસ્તારમાં બિરાજે છે માં નડેશ્ર્વરી. બનાસકાંઠા જિલ્લામાં અનેક પૌરાણિક તીર્થ સ્થળો આવેલા છે જેમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ નડેશ્વરી માતાના મંદિરે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામથી 20 કિલોમીટર દૂર ભારત પાકિસ્તાન બોર્ડર નજીક કચ્છના મોટા રણમાં સ્થિત નડાબેટમાં બિરાજમાન અને સરહદી લોકોની આસ્થાના કેન્દ્ર સમા શ્રી નડેશ્વરી માતાનો મહિમા જુનાગઢના રા-નવઘણ સાથે જોડાયેલો છે. ઇસ 1965 અને ઈસ.1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ભારતીય સૈન્યને પણ માતાજીએ મદદ કરી દિશા સૂચન કર્યું હોવાનું લોકમુખે સાંભળવા મળે છે.
સહકારથી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી
ભારત પાકિસ્તાન બોર્ડર પર રણમાં ફરજ બજાવતા બીએસએફ જવાનોને માં નડેશ્વરી માતાની મદદ મળી રહેતી હોવાની આસ્થા છે. મા નડેશ્વરી માતાના ધામમાં એક પૂજારી મંદિર ટ્રસ્ટ તરફથી અને એક પૂજારી બીએસએફ તરફથી એમ બે પૂજારી માતાજીની સેવાપૂજા કરે છે. બીએસએફ જવાનો માતાજી પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવે છે સવાર સાંજ બંને સમયની આરતીમાં બીએસએફના જવાનો અચૂક હાજરી આપે છે, વર્ષો પહેલા એક ક્રાંતિકારી સંત પૂજ્ય સચ્ચિદાનંદ બાપુએ સુઈગામના સરપંચ સ્વ.ભાણાજી રાજપુત અને બીજા આગેવાનોના સાથ સહકારથી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.
નડેશ્વરી માતાના મંદિરનો પણ વર્ષો જૂનો ઇતિહાસ છે
40 વર્ષથી નડાબેટમાં રામનવમીના દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે, ચારે બાજુ અફાટ રણ હોવા છતાં નડાબેટમાં મીઠું પાણી નીકળે છે.. નવરાત્રીમાં નવ દિવસ માતાજીના અનુષ્ઠાન, હવન અને વિશેષ પૂજામાં બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર દેશભરમાંથી લોકો મોટી સંખ્યામાં જોડાય છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા દરેક મંદિરોનો વર્ષો પુરાણો ઇતિહાસ છે જેમાં સરહદી બનાસકાંઠા જિલ્લાના ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડેશ્વરી માતાના મંદિરનો પણ વર્ષો જૂનો ઇતિહાસ છે.
ભારત પાક બોર્ડરે નડેશ્વરી મંદિર ભાવિકોની આસ્થાનું કેન્દ્ર
કહેવાય છે કે અહીં દેખાતા રણની જગ્યાએ મોટો દરિયો પથરાયેલો હતો તે સમય દરમિયાન જૂનાગઢના રાજા રા-નવઘણની ધર્મની બહેન જાહલ તેના પતિ સાસતીયા સાથે પશુઓ લઈ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ગયા હતા જ્યાં જાહલના રૂપ પર મોહિત થઈ સિંધના રાજા હમીર સુમરાએ તેને કેદ કરી હતી. ધર્મની બહેનને બચાવવા માટે ઘોડાઓ સાથે સિંઘમાં જવા નીકળેલા રાનવઘણને નડાબેટમાં જમવાની કોઈ વ્યવસ્થા ના મળતા, કન્યાનું રૂપ ધારણ કરી નડેશ્વરી માતાએ સાક્ષાત રા-નવઘણ અને તેના સૈનિકોને જમાડ્યા હતા. રા-નવઘણ અને તેમના સૈનિકો પાકિસ્તાનમાં આવેલ સિંધમાં જલ્દી પહોંચવા માટે મદદની અપીલ કરતાં બાળકી સ્વરૂપ ચારણ આઈએ પોતાનો ઘોડો આગળ કરી દરિયામાં નાખવાના આદેશને રા-નવઘણે માથે ચડાવી દરિયામાં પોતાનો ઘોડો દોડાવ્યો હતો ઘોડા આગળના પગે પાણી અને પાછળના પગે ધૂળ ઉડાડતા સિંધ સુધી પહોંચી ગયા હતા, દરિયો હોવા છતાં પણ માતાજીએ રા-નવઘણની સિંધ સુધી પહોંચવા માટે બાળકીનું સ્વરૂપ ધારણ કરી મદદ કરી હતી. રા-નવઘણે સિંધમાં પહોંચી હમીર સુમરાને હરાવી નડાબેટમાં પરત આવી માતાજીની સ્થાપના કરી પ્રથમ પૂજા કરી હતી, ત્યારથી દરિયાની જગ્યાએ રણ થઈ ગયું હોવાની લોકવાયકા છે.
નડેશ્વરી માતાની માનતાથી અનેક લોકોને સંતાન પ્રાપ્તિ થઈ છે
માં નડેશ્વરી બોર્ડર પર ફરજ બજાવતા જવાનોની આજે પણ સાક્ષાત રક્ષા કરે છે. બીએસએફના જવાનો નડેશ્વરી માતામાં અતૂટ શ્રદ્ધા આસ્થા ધરાવે છે. માતાજીનુ પૌરાણિક મંદિર નાનુ છે અને નડેશ્વરી માતાની અતૂટ શ્રદ્ધાના કારણે દર્શનાર્થીઓની ભીડ વધતા પૌરાણિક મંદિરની બાજુમાં નડેશ્વરી માતાજીનું નવું મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. માતાજીના મંદિરે લોકો પોતાની બાધા આખડી પૂર્ણ કરવા માટે આવે છે નડેશ્વરી માતાની માનતાથી અનેક લોકોને સંતાન પ્રાપ્તિ થઈ છે. માનતા પૂરી થતા ભાવિકો માતાજીના મંદિરે ચાલતા અને દંડ પ્રણામ કરતાં આવી પોતાની બાધા પૂર્ણ કરે છે.
ભાવિકો માતાજીના મંદિરે દંડવત પ્રણામ કરતાં આવે છે
ચારે બાજુ પથરાયેલા રણમાં બિરાજતા નડેશ્ર્વરી માતાજીને શીશ ઝુકાવવા ભાવિકભક્તો વર્ષમાં એકવાર અચૂકપણે બનાસકાંઠા જિલ્લા સહિત અન્ય રાજ્યોમાંથી પણ આવે છે. માં નડેશ્વરી માતાના મંદિરે રામ નવમી અને દિવાળીના પર્વ નિમિત્તે લાખોની સંખ્યામાં ભક્તો દર્શને આવતા મંદિરે મેળાનો માહોલ સર્જાય છે. મંદિરે નડેશ્વરી ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદનુ પણ આયોજન કરવામાં આવે છે જેના કારણે રણ વિસ્તારમાં માતાજીના દર્શને આવતા દર્શનાર્થીઓને સ્વાદિષ્ટ ભોજન પ્રસાદરુપે મળી રહે છે. વર્ષ દરમિયાન લાખો ભક્તો માં નડેશ્વરી માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.