ખેડા નગરના ઇન્દિરાનગર વિસ્તારના પાછળના ભાગે દિવાલનું કામ 7 દિવસ પહેલા પૂર્ણ થયું હતું. જેમાં નીચે 3 ફૂટ જૂની દિવાલ પર 5 ફૂટ નવી દિવાલ સ્થાનિકોના ઘરને અડીને બનાવવામાં આવી રહી હતી. આ દિવાલનું કામ પૂર્ણ થતાં, આગળ ગટરના કામ માટે જેસીબીથી 10 ફૂટ ઊંડો ખાડો કરતા હતા તે દરમ્યાન સવારના 11 કલાકે જ એકાએક ૨૦ મીટરની દિવાલ ઘસી પડી હતી. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ દિવાલને અડીને આવેલા ૧૫ મકાનોને ભારે નુકશાન પહોંચ્યું હતું. આ ઘટના જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
ખેડા પાલિકા દ્વારા હાલમાં ગટરલાઇન તથા સંરક્ષાત્મક દિવાલની કામગીરી ચાલી રહી હતી. પરંતુ સ્થાનિકોનો આક્ષેપ હતો કે આ કામ દરમ્યાન ખેડા પાલિકાના નિયુક્ત એન્જીનીયર આ કામગીરી જોવા માટે પણ ક્યારેય આવ્યા ન હતા.
આ તદઉપરાંત જુની ત્રણફુટની દિવાલ ઉપર બીજી પાંચ ફુટની દિવાલ ઉભી કરવામાં આવી હતી. તેની સાથે જેસીબીથી 10 ફૂટ ઊંડો ખાડો કરવા જતાં આ નવી બનાવેલી દિવાલ ધરાશાયી થઇ હતી. જેના પરિણામે ૧૫ જેટલા મકાનોને ભારે નુકશાન પહોંચ્યું હતું તેવો સ્થાનિકોનો આક્ષેપ છે.
અસરગ્રસ્તો નગરપાલિકામાં પહોંચ્યા હતા. પરંતુ ત્યાં કોઇ ઉપસ્થિત ન હોવાથી તેમની કોઇએ ફરિયાદ સાંભળી ન હતી.
ચીફ ઓફિસર ઘટના સ્થળે દોડી આવ્યા.
આ ઘટના સંદર્ભે સ્થાનિક આગેવાને ખેડાના ચીફ ઓફિસર ભદ્રેશભાઇ પટેલને ટેલિફોનીક જાણ કરતા તેઓ અમદાવાદની મીટીંગ પતાવીને સીધા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને જે નુકશાન થયું છે તેનું તાત્કાલિક રીપેરીંગ કામ કરાવવાનું કામ આરંભી દીધું હતું જે ખાડો ગટર માટે કર્યો હતો તેને જેસીબીથી પુરાવી દીધો હતો. જેથી કરીને નવી દિવાલને વધુ નુકશાન ન પહોંચે તેવું આયોજન કરાયું હતું.