રાજ્ય મંત્રી, ઉચ્ચ પદાધિકારી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને અગ્રણી પત્રકારોએ પત્રકાર વનમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો આપ્યો સંદેશો
પત્રકાર વનમાં લીંબડો, બોરસલી, પેથોડીયા, પેલ્ટો, રેન્ટ્રી, ટર્મીનેલીયા, કાયેજીલીયા, બંગાળી બદામ, ખાલી બદામ, વડ, પીપળ, કપોક, અરીઠા, આસોપાલવ અને ચંપા સહિતના કુલ ૨૧૧ જેટલા રોપાઓનું વાવેતર
ખેડા જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ૦૫ જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક પેડ મા કે નામ ૩.૦ અંતર્ગત નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના પ્રથમ પત્રકાર વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય મંત્રી, ઉચ્ચ પદાધિકારી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને અગ્રણી પત્રકારો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંવર્ધનનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.
મહેસુલ પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, નડિયાદ શહેર મેયર મનીષ પટેલ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લા કલેકટર એન.વી ઉપાધ્યાય, મહાનગરપાલિકા કમિશનર કિરણ ઝવેરી, નાયબ વન સંરક્ષક અભિષેક સામરીયા, નિવાસી અધિક કલેકટર જે.બી. દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરાગભાઇ બારોટ, વડોદરા ઝોન સંયુક્ત માહિતી નિયામક હેતલ દવે સહિતના મહાનુભાવોએ આ કાર્યક્રમમાં જોડાઈને પત્રકારો સાથે વૃક્ષારોપણ કર્યું હતું.
પત્રકારત્વ એ લોકશાહીનું ચોથું સ્તંભ ગણાય છે ત્યારે ખેડા જિલ્લાના પત્રકારોએ પોતાના સામાજીક દાયિત્વને બખૂબી અદા કરતા જિલ્લા માહિતી કચેરી ખાતે વૃક્ષારોપણ કરી સમગ્ર દેશના મીડિયાકર્મીઓને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણા પૂરી પાડી હતી.
આ વૃક્ષારોપણમાં લીંબડો, બોરસલી, પેથોડીયા, પેલ્ટો, રેન્ટ્રી,ટર્મીનેલીયા, કાયેજીલીયા, બંગાળી બદામ, ખાલી બદામ, વડ, પીપળ, કપોક, અરીઠા, આસોપાલવ અને ચંપા સહિતના કુલ ૨૧૧ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ માહિતી નિયામક માનસી દેસાઈએ જણાવ્યું હતું કે, પ્રકૃતિ અને પત્રકારત્વ એક જ છે. પ્રકૃતિ શુધ્ધ હવા આપે છે. અને પત્રકારત્વ શુદ્ધ વિચાર આપે છે. એટલે પત્રકારોની કલમને સન્માન આપવા માટે આજે આપણે પત્રકારોને પ્રકૃતિ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. આ પત્રકાર વનની જાળવણી અને માવજત માટે વિશેષ તૈયારીઓ કરીને આ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે ખેડા જિલ્લાના તમામ લોકોને પણ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણી માટે તેમણે અપીલ કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા માહિતી કચેરી, નડિયાદ, ફોરેસ્ટ વિભાગ, ૨૮ એનસીસી બટાલિયન અને નડિયાદ મહાનગરપાલિકાના કર્મયોગીઓ દ્વારા શ્રમદાન કરી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ૨૮ એનસીસી બટાલિયનના સી.ઓ અજીતકુમાર ઝાલાના સહયોગથી એનસીસીના કેડેટ્સ દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે ખેડા જિલ્લાના પીઢ પત્રકાર દક્ષેશ બ્રહ્મભટ્ટે પત્રકાર વનની સરાહનીય કામગીરી બદલ જિલ્લા માહિતી કચેરી, વન વિભાગ અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં પત્રકારોએ આગેવાની લઈ ઉમદા કાર્યો કરવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં ૨૮ એનસીસી બટાલિયનના સી.ઓ અજીતકુમાર ઝાલા, વડોદરા ઝોન સંયુક્ત માહિતી નિયામક હેતલ દવે, ખેડા નાયબ માહિતી નિયામક માનસીબેન દેસાઈ, ના.કા.ઈ સુશીલભાઈ, માહિતી કચેરી નડિયાદ, ફોરેસ્ટ વિભાગ અને એનસીસીના કર્મચારીઓ, એનસીસી કેડેટ અને મોટી સંખ્યામાં જિલ્લામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતાં.
રીપોર્ટર – સુરેશ પારેખ (કપડવંજ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel