કૈલાસ ગુરૂકુળ મહુવામાં ગુજરાતી સાહિત્ય પરિષદ જ્ઞાનસત્ર પ્રારંભ વેળાએ મોરારિબાપુએ પ્રસન્નતા સાથે આશિષ ઉદ્બોધનમાં જણાવ્યું કે, શબ્દ એટલે આકાશ જ સનાતન સત્ય છે.
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ‘સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે’ શીર્ષક સાથે મહુવામાં કૈલાસ ગુરુકુળમાં વિદ્વાનોની ઉપસ્થિતિ સાથે ૩૪માં જ્ઞાનસત્રનો પ્રારંભ થયો, અંહિયા દીપ પ્રાગટ્ય બાદ મોરારિબાપુએ પ્રસન્નતા સાથે આશિષ ઉદ્બોધનમાં જણાવ્યું કે, આ ઉપક્રમ માટે તેઓ શ્રોતા છે, વક્તા નહિ. આમ છતાં સૌનાં ભાવ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરી આ ઉપક્રમ માટે લાગણી દર્શાવી.
મોરારિબાપુએ જણાવ્યું કે, શબ્દ એટલે આકાશ જ સનાતન સત્ય છે. તેઓએ લોક સાહિત્ય, સુગમ સાહિત્ય તથા શાસ્ત્રીય સંગીતનાં સંગમ પ્રયાગ રૂપ ગણાવી સુગમ સાહિત્ય પર વધુ પ્રયોગ ઉપર ભાર મૂક્યો.
પરિષદ અધ્યક્ષ હર્ષદ ત્રિવેદીએ મહુવાની ભૂમિની ભાવવંદના સાથે કવિ રાજેન્દ્ર શાહ વિશે વક્તવ્ય આપ્યું.
જ્ઞાનસત્રમાં રાધાવલ્લભ ત્રિપાઠીનું વક્તવ્ય લખાણ બિંદુબેન ભટ્ટે પ્રસ્તુત કર્યું.
રઘુવીરભાઈ ચૌધરીએ તેમનાં ઉદ્બોધનમાં અધ્યક્ષ હર્ષદ ત્રિવેદીનાં નેતૃત્વમાં પરિષદનાં સાહિત્ય પ્રવૃત્તિને બિરદાવી. તેઓનું સર્જન સંપાદન કાર્ય વિશેષ રહ્યાનું ઉમેર્યું.
પ્રારંભિક આવકાર નીતિન વડગામાએ આપ્યા બાદ સંચાલન સાથે પરિષદ અહેવાલ સમીર ભટ્ટે આપેલ અને મોરારિબાપુ સહિત શ્રેષ્ઠીઓ દાતાઓ દ્વારા પરિષદને મળેલ સહ્યોગનો સાનંદ ઉલ્લેખ કર્યો. આભાર વિધિ યોગેશ જોષીએ કરી.
આ ઉપક્રમ સાથે દલપત પઢિયારનાં ‘મહાપંથી પાટ પરંપરા અને તેના સંત કવિઓ’ અને હેમંત દવે તથા સુહાગ દવેનાં ‘શબ્દ મૂળની શોધ’ પ્રકાશન લોકાર્પણ કરવામાં આવેલ.