અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી પુરી થવા જઇ રહી છે, જો તેઓ જેલમાંથી બહાર આવે તો સીબીઆઇ તેમની સામે કાર્યવાહી કરવા માટે તૈયાર છે. સીબીઆઇએ કહ્યું છે કે કેજરીવાલ સામે પગલા લેવા માટે અનેક પુરાવા છે. ઉપરાંત પૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાનું પણ નામ લીધુ હતું.
દિલ્હી એક્સાઇઝ નીતિ સ્કેમમાં ધરપકડ કરાયેલા બીઆરએસ નેતા કે કવિતાના રિમાંડને લઇને કોર્ટ પહોંચેલી એજન્સી સીબીઆઇએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયાના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સીબીઆઇએ કહ્યું હતું કે કેજરીવાલ સામે કાર્યવાહી કરવા માટે અનેક પુરાવા છે. જેમાં વોટ્સએપ ચેટ અને અન્ય આરોપીઓના નિવેદનોનો પણ સમાવેશ થાય છે.
કવિતાની કસ્ટડી માટે સીબીઆઇએ એવી દલિલ કરી હતી કે આમ આદમી પાર્ટી માટે ૧૦૦ કરોડ રૂપિયાની લાંચની વ્યવસ્થા કરી આપવામાં કવિતાનો મોટો રોલ છે. કવિતા મુખ્ય કાવતરાખોરોમાં સામેલ છે.
એક મોટા વેપારીએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સામે બેઠક કરી હતી. કેજરીવાલે આ વેપારીને એક્સાઇઝ નીતિ દ્વારા મદદ કરવાની ખાતરી આપી હતી. સીબીઆઇએ દાવો કર્યો હતો કે હૈદરાબાદમાં કવિતાએ આ વેપારીની સાથે બેઠક યોજી હતી. સીબીઆઇએ આ દરમિયાન કેજરીવાલનું નામ પણ લીધુ હતું. તેથી ઇડીના કેસમાં કેજરીવાલની ન્યાયીક કસ્ટડી પુરી થયા બાદ સીબીઆઇ સકંજામાં લેવાની તૈયારીમાં છે.