ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ મુસાફરોની સુવિધા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. DGCA એ તમામ એરલાઈન્સને નિર્દેશ આપ્યો છે કે તેઓ ટિકિટ બુક થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય પર ઉપલબ્ધ પેસેન્જર ચાર્ટરની ઓનલાઈન લિંક (SMS/Whatsapp) મેસેજ તરીકે પેસેન્જરને મોકલે જેથી મુસાફરો તેમના અધિકારોથી વાકેફ હોય.
આ લિંક પર મુસાફરોના અધિકારો, નિયમો અને ફરિયાદ નિવારણ વિશે સંપૂર્ણ માહિતી હશે, જેથી તેમના માટે કોઈપણ સમસ્યાનું નિરાકરણ સરળ બને. આ માહિતી એરલાઈનની વેબસાઈટ અને ટિકિટો પર પણ સ્પષ્ટપણે પ્રદર્શિત થવી જોઈએ.
27 માર્ચ સુધીમાં અમલ કરવા જણાવ્યું હતું
એવિએશન રેગ્યુલેટરે એર સર્વિસ કંપનીઓને પેસેન્જર્સ સંબંધિત નિયમો અને ગ્રાહકોના અધિકારો સંબંધિત જોગવાઈઓને જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. DGCAએ 7 માર્ચે તમામ એરલાઈન્સને આ સંબંધમાં પત્ર મોકલ્યો હતો અને કહેવામાં આવ્યું છે કે તેને 27 માર્ચ, 2025 સુધીમાં લાગુ કરવામાં આવશે.
ડીજીસીએના આદેશ બાદ તમામ એરલાઇન કંપનીઓએ પોતાની સિસ્ટમમાં ફેરફાર કરવાનું શરૂ કરી દીધું છે. સ્પાઇસજેટે આ પ્રક્રિયા અમલમાં મૂકી છે અને મુસાફરોને ટિકિટ બુકિંગની સાથે તેમના અધિકારો વિશેની માહિતી મોકલવામાં આવી રહી છે.