કપડવંજની બેન્ક ઓફ બરોડામાં એટીએમ તથા પાસબુક પ્રિન્ટર છેલ્લા કેટલા દિવસથી બંધ પડેલ હોવાથી સંખ્યાબંધ ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને નોકરિયાત,પેન્શનરો તેમજ વરિષ્ઠ નાગરિકોને પરેશાની ભોગવવી પડી રહી છે. બેંકમાં સિનિયર સિટીઝન માટે કોઈ અલગવ્યવસ્થા નહીં હોવાથી તેઓ બેન્કિંગ વ્યવહાર માટે પારાવાર તકલીફો વેઠી રહ્યા છે. બેંકના ગ્રાહકોને વિવિધ બેન્કિંગ વ્યવહાર માટે કોઈ ચોક્કસ જવાબ મળતા નથી અને એક થી બીજા કાઉન્ટર ઉપર ભટકવું પડે છે.
બેંકના શાખા પ્રબંધક ધર્મેશભાઈ પરમારના જણાવ્યા અનુસાર સ્ટાફની અછતનાના કારણે તથા એટીએમ અને પાસબુક પ્રિન્ટર માટે અલગ વ્યવસ્થા હોવાથી તેમજ એજન્સીની નિમણૂંક કરેલ હોવાથી એમને વારંવાર સૂચના આપ્યા હોવા છતાં પણ બંધ પડેલી સિસ્ટમને ચાલુ કરવા માટે નિયત સમયમાં તે લોકો આવતા નથી તેથી આ અંગે તેઓ કશું કરી શકે તેમ નથી.
બેંકની જગ્યાના પ્રમાણમાં ગ્રાહકોની સંખ્યા વિશેષ હોવાથી ક્યારેક ધક્કામુક્કી અને પારાવાર ભીડને કારણે ગ્રાહકોના નાણાંની સલામતી પણ જોખમાય છે. આ ઉપરાંત બેંકની બહાર ટ્રાફિક નિયમનના અભાવે વાહનોનો ખડકલો થઈ જતો હોવાથી આકસ્મિક સંજોગોમાં અસામાજિક તત્વો તેનો લાભ લઈ શકે તેમ છે. આ સંજોગોમાં બેંકના ઉચ્ચસ્તરીય અધિકારીઓ કપડવંજ શાખાની રૂબરૂ મુલાકાત થઈ પ્રશ્નોની નિકાલ લાવે તે માટે રજૂઆતો કરનાર છે.
રીપોટૅર-સુરેશ પારેખ(કપડવંજ)