રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને નિયમિતપણે તાલીમ મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવે છે. મહેસૂલ વિભાગ, ગુજરાત સરકારની સુચના મુજબ આજરોજ બનાસકાંઠા જિલ્લાના ૫૦૦થી વધુ મહેસૂલી અધિકારી/કર્મચારીઓ માટે વિશેષ તાલીમનું આયોજન પાલનપુર સ્થિત પાટીદાર ભવન ખાતે કરાયું હતું.
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ અને નિવાસી અધિક કલેકટર સી.પી.પટેલના માર્ગદર્શન અને ઉપસ્થિતિ હેઠળ યોજાયેલ આ તાલીમમાં જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમમાં મહેસૂલી કામગીરીથી સંકળાયેલા વિવિધ ૧૨ જેટલા વિષયોને આવરી લઇ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ કલેકટર તેમજ મામલતદારો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું તથા વિષયવાર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમમાં જમીન અને મહેસુલના વહીવટનો ઇતિહાસ, જમીનના વહીવટ અંગેના કાયદાઓ અને મહેસૂલી અધિકારીઓની સત્તાઓ તથા જવાબદારીઓ, હક પત્રક અદ્યતન રાખવાની કામગીરી અને જવાબદારીઓ, લેન્ડ રેકર્ડઝ કમ્પ્યુટરાઈઝેશન, મહેસુલે કેસો, તકરાર,અપીલ, રિવિઝન અંગેની કાર્ય પધ્ધતિ, કોર્ટ મેટરને લગતી કામગીરી, સરકારી, ગૌચર, સાર્વજનિક જાહેર જમીનોની જાળવણી, ખાતેદારો/નાગરિકો દ્વારા જમીન મહેસુલના વિવિધ કાયદાઓના ભંગના/શરત ભંગના કેસોની કાર્યવાહી, સીટી સર્વે કચેરીઓની કામગીરી, સર્વે અને માપણી વિભાગની કામગીરી, નોંધણી અને સ્ટેમ્પ વિભાગની કામગીરી તથા એથીક જેવા વિવિધ વિષયો પર અધિકારીઓ દ્વારા તાલીમ અપાઈ હતી.