કપડવંજ સહિત સાત તાલુકાઓમાં વિકલાંગોના પુનર્વસન માટે ૧૯૯૭ થી કામ કરતી સંસ્થા શ્રી વાડીલાલ એસ. ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ – કપડવંજ સંચાલિત દિવ્યાંગ પુનર્વસન સેવાયજ્ઞના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે શારદા સંકુલમાં નવનિર્મિત શ્રી મુકુંદ બાલવાટીકાનું ઉદ્દઘાટન, અંધજન મંડળ અમદાવાદ દ્વારા દિવ્યાંગોને સાધન વિતરણ તથા સિવિલ હોસ્પિટલ નડીયાદના ક્લિનીકલ સાયકોલોજી વિભાગ તરફથી દિવ્યાંગ બાળકોને દિવ્યાંગતાના સર્ટિફીકેટના વિતરણ કાર્યક્રમનું ઉદ્દઘાટન સમારંભના પ્રમુખ પદે ઉપસ્થિત કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાએ અતિથિ વિશેષ કપડવંજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોપાલ શાહ, અંધજન મંડળ અમદાવાદના ડેપ્યુટી ડાયરેકટર ભરતભાઈ જોષી, સંસ્થાના માનદ મંત્રી ડો.હરીશ કુંડલીયા, પ્રમુખ ભુપેન્દ્રભાઈ જોશી અને ટ્રસ્ટી બીનાબહેન તેલીની ઉપસ્થિતિમાં કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય રાજેશ ઝાલાએ જણાવ્યું હતું કે વી.એસ. ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ વિકલાંગોને વિવિધ સેવાકીય યજ્ઞો દ્વારા મદદરૂપ બનવા સાથે માતા-પિતા જેવી હુંફ આપી તેઓનો આત્મવિશ્વાસ વધારે છે. તેમ જણાવી તેઓએ સંસ્થાની વિકલાંગો માટે લાઇબ્રેરી, કોમ્પ્યુટર શિક્ષણ, સિલાઈ કામ સહીત વિવિધ સાધનોના વિતરણની ઉમદા કામગીરીને બિરદાવી ટ્રસ્ટીઓ, વહીવટદારોને અભિનંદન પાઠવ્યા હતાં. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વિકલાંગો આત્મનિર્ભર બને તે માટે સરકારે ખાસ ચિંતા કરી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. વિકલાંગોને સરકારની આ યોજનાઓનો લાભ મળે તે માટે વી. એસ. ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સરકાર અને વિકલાંગો વચ્ચે સેતુ બનીને કામ કરે છે. તેમ જણાવી સરકારની વિકલાંગો માટેની તમામ યોજનાઓનો સંસ્થાના વિકલાંગોને લાભ મળે તે માટે પોતે પ્રયત્નશીલ રહેશે તેવી ખાતરી આપી હતી.
નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોપાલ શાહે સમાજના શિક્ષિત, શ્રીમંત અને પ્રબુદ્ધ લોકોએ દિવ્યાંગોની ખાસ ચિંતા કરવી જોઈએ તેમ જણાવ્યું હતું. તથા ભરતભાઈ જોશીએ પણ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી સૌને શુભેચ્છા પાઠવી હતી.
ધારાસભ્યના હસ્તે મુકુંદ બાલ વાટિકાનું રિબિન કાપી ઉદ્દઘાટન કરવા સાથે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વ્હીલ ચેર, ટ્રાઈસિકલ,બગલ ઘોડી, શ્રવણ યંત્ર વિતરણ સાથે કોમ્પ્યુટર શિક્ષણના પ્રમાણપત્ર, સ્પેશિયલ ખેલ મહાકુંભમાં વિવિધ રમતોમાં વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
કાર્યક્રમની શરૂઆતમાં ડો. હરીશ કુંડલીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.તથા વિકલાંગ ભાઈ- બહેનોએ પ્રાર્થના તથા સ્વાગત ગીત રજૂ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના સીઈઓ ભરત મકવાણા, મહેશભાઈ સહિત સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન અંધજન મંડળના રમેશભાઈ પટેલે કર્યું હતું.આભારવિધિ નરેન્દ્ર વાઘેલાએ કરી હતી.