દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પાઠવેલા સમન્સની અવગણના કરવા બદલ, રાજકારણ શરૂ થયું છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ગઈકાલ ગુરુવારને 2 નવેમ્બરના રોજ, કેજરીવાલને દિલ્હી દારૂ કૌભાંડમાં તપાસ માટે હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું.
ઈડીના આ સમન્સને લઈને આમ આદમી પાર્ટીએ આક્ષેપ કરતા કહ્યું કે, કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ભાજપના ઈશારે કામ કરે છે. જેની સામે ભાજપે પણ વળતો પ્રત્યુતર આપતા કહ્યું છે કે, અરવિંદ કેજરીવાલ ઈડીની તપાસથી ભાગી રહ્યા છે. જો તેઓ નખશીખ પ્રમાણિક હોય તો કેમ ઈડી સમક્ષ તપાસ અને પુછપરછ માટે હાજર નથી થતા.
દિલ્હીમાં ચકચાર મચાવનાર દારૂ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ મની લોન્ડરિંગને લઈને તપાસ કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ગત 31 ઓક્ટોબરના રોજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને હાજર થવા માટે સમન્સ મોકલ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે પાઠવેલા સમન્સમાં અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરને ગુરુવારના રોજ, તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ સમક્ષ શરાબ કૌંભાડ કેસમાં જરૂરી તપાસ અને પુછપરછ અર્થે કેજરીવાલને હાજર થવા જણાવ્યું હતું.
જો કે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પાઠવેલા સમન્સમાં ઉલ્લેખ કરાયેલા સમયગાળા દરમિયાન તપાસ એજન્સી ઈડી સમક્ષ હાજર થયા ન હતા પરંતુ તેમણે લેખિતમાં ના આવવાનું કારણ જણાવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.
કાયદા શ્રેત્રના જાણકારોનું કહેવું છે કે, પ્રિવેનશન ઓફ મની લેન્ડરીંગ એક્ટની જોગવાઈ મુજબ, કોઈપણ વ્યક્તિ તપાસ એજન્સી દ્વારા મોકલાયેલા માત્ર ત્રણ જ સમન્સને અવગણી શકે છે. તો બીજી બાજુ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ, સંબંધિત ન્યાયક્ષેત્રનો સંપર્ક કરીને જે તે વ્યક્તિ સામે બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરાવીને પકડી શકે છે.
અરવિંદ કેજરીવાલને લગતા કેસની વાત છે તો હજુ કેજરીવાલ પાસે બે સમન્સ સુધીના સમયગાળામાં હાજર ના થાય તો જ, તપાસ એજન્સી સબંધિત કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે જરૂરી એવું બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરાવી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી શરાબ કેસમાં સીબીઆઈ દ્વારા એપ્રિલ 2023માં, અરવિંદ કેજરીવાલની પુછપરછ કરવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલને શરાબ કૌંભાડ કેસના સાક્ષી તરીકે પુછપરછ કરવામાં આવી હતી. જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ, દિલ્હી શરાબ કૌંભાડ કેસમાં મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે.