ઉત્તર કોરિયાએ આવનારા સમયમાં ઘણા દેશોમાં પોતાના દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઉત્તર કોરિયા જે દેશોમાં પોતાના દૂતાવાસ બંધ કરવા જઈ રહ્યું છે તેમાં સ્પેન, હોંગકોંગ અને આફ્રિકાના ઘણા દેશો સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્તર કોરિયા ટૂંક સમયમાં વિશ્વમાં એક ડઝનથી વધુ દૂતાવાસ બંધ કરવા જઈ રહ્યું છે. ઉત્તર કોરિયાના આ પગલા પર દક્ષિણ કોરિયાએ પણ ટિપ્પણી કરી છે.
દક્ષિણ કોરિયાએ ટોણો માર્યો છે કે ઉત્તર કોરિયા દ્વારા તેના રાજદ્વારી મિશનને બંધ કરવું એ સંકેત છે કે દેશ ગંભીર આર્થિક સંકટના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. દક્ષિણ કોરિયાએ કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે ઉત્તર કોરિયા ઘણા પ્રકારના દબાણમાં છે અને વિદેશમાં પોતાનું અસ્તિત્વ જાળવી રાખવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે.
દ. આફ્રિકાના બે દેશોમાં દૂતાવાસ બંધ
ઉત્તર કોરિયાએ સોમવારે માહિતી આપી હતી કે ગયા અઠવાડિયે તેને અંગોલા અને યુગાન્ડા જેવા બે આફ્રિકન દેશોમાં પોતાના દૂતાવાસ બંધ કરવાની સત્તાવાર સૂચના આપવામાં આવી છે. અંગોલા અને યુગાન્ડા બંનેના ઉત્તર કોરિયા સાથે 1970ના દાયકાથી મૈત્રીપૂર્ણ સંબંધો હતા. ત્યારથી લઈને અત્યાર સુધી, તેઓ સૈન્ય સહયોગ કરતા રહ્યા અને ઘણા પ્રોજેક્ટ્સમાં ભાગીદાર રહ્યા. પરંતુ હવે દૂતાવાસ બંધ થયા બાદ તેમની વચ્ચે રાજદ્વારી સંબંધો રહ્યા નથી.
ઉત્તર કોરિયાના મીડિયામાં ચર્ચા
ઉત્તર કોરિયાના મીડિયા જગતમાં આ બાબતની ખૂબ ચર્ચા થઈ રહી છે. અહીં લખવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે ભવિષ્યમાં ઉત્તર કોરિયાની અર્થવ્યવસ્થા પડી ભાંગી શકે છે. આવી સ્થિતિમાં દેશને આવા પગલા ભરવાની મજબૂરીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર કોરિયાના પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમોના વિસ્તરણને રોકવાના ઉદ્દેશ્ય સાથે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. વર્તમાન કટોકટી તેના કારણે છે.
વિદેશી દેશોમાં દૂતાવાસોની જાળવણીની સમસ્યા
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આર્થિક સંકટને કારણે ઉત્તર કોરિયા વિદેશમાં પોતાના દૂતાવાસોને જાળવી રાખવામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે, તેથી તે દૂતાવાસોને બંધ કરવાની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ, એક સમયે ઉત્તર કોરિયાના 159 દેશો સાથે ઔપચારિક સંબંધો હતા, પરંતુ હવે આ સંબંધોમાં ધીમે ધીમે ખટાશ આવી રહી છે. કિમ જોંગની પરમાણુ અને મિસાઈલ યોજના દેશને મુશ્કેલીમાં મૂકી રહી છે.