રામેશ્વરમમાં આવેલા નવા પમબન બ્રિજને કારણે હવે 111 વર્ષ જૂના પુલની સાથે શું કરવું એનો નિર્ણય ભારતીય રેલવે દ્વારા લઈ લેવામાં આવ્યો છે. નવા બ્રિજનું ઉદ્ઘાટન રામનવમીના દિવસે, એટલે કે છ એપ્રિલે કરવામાં આવી રહ્યું છે. આ પુલ શરૂ થતા નવા પુલનું ભવિષ્ય પણ નક્કી કરી લેવામાં આવ્યું છે.
1914માં બન્યો હતો જૂનો પુલ
રામેશ્વરમાં જવા માટે જે જૂનો પુલ છે તે 1914માં બનાવવામાં આવ્યો હતો. બ્રિટિશરોના સમયમાં આ પુલની રચના કરવામાં આવી હતી, જેને 2022ની 23 ડિસેમ્બરે બંધ કરવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી આ પુલ બંધ છે. પુલ નબળો થઈ ગયો હોવાથી એને બંધ કરવામાં આવ્યો છે, અને એની જગ્યાએ નવા બ્રિજની રચના કરવામાં આવી છે. હાલમાં ટ્રેન મંડપમ સુધી જતી હતી, અને તે આગળ જવા માટે રોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, હવે છ એપ્રિલથી ટ્રેન દ્વારા રામેશ્વરમ સુધી સરળતાથી જઈ શકાશે.
ઘણાં તૂફાન સહન કરી ચૂક્યો છે જૂનો પુલ
1914માં બનાવવામાં આવેલો આ જૂનો પુલ ઘણાં તૂફાન સહન કરી ચૂક્યો છે. 1964માં આવેલા તૂફાનમાં ઘનુષકોડી પર ખૂબ જ અસર થઈ હતી. આ સમયે આખી ટ્રેન દરિયામાં પહોંચી ગઇ હતી, અને પુલ પર પણ એની અસર પડી હતી. જો કે, 46 દિવસની મરામત બાદ પુલને ફરીથી ચાલુ કરવામાં આવ્યો હતો. 2009માં માલસામાન લઈ જવા માટે એને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો. 1988 સુધી રામેશ્વરમ જવા માટે આ એકમાત્ર માર્ગ હતો, પરંતુ ત્યારબાદ નવા રોડ બનાવવામાં આવ્યા હતા.
જૂના પુલનું ભવિષ્ય શું?
નવો પુલ છે એપ્રિલથી શરૂ થઈ રહ્યો છે, તેથી જૂના પુલના ભવિષ્યનો નિર્ણય લઈ લેવાયો છે. ભારતીય રેલવે અનુસાર, આ જૂના પુલને રાખી મૂકવાનો કોઈ અર્થ નથી. આથી, હવે એને તોડીને દૂર કરવામાં આવશે. જૂન મહિનાથી એ પુલ તોડવાની પ્રક્રિયા શરૂ થશે. આ પુલને સાવચેતીપૂર્વક તોડવામાં આવશે, કારણ કે એ દરિયામાં સ્થિત છે. જે પણ ભંગાર મળશે તે દરિયામાં મૂકવામાં નહીં આવે, પરંતું તે જમીન પર લઈ જવામાં આવશે, કારણ કે તે વિસ્તારમાંથી મોટા જહાજ પસાર થાય છે.
2.2 કિમી લાંબો છે નવો પુલ
નવો પમબન પુલ 2.2 કિમી લાંબો છે. આ પુલ સમુદ્રની ઊંચાઈથી 22 મીટર સુધી વર્ટિકલ ઊભો થઈ શકે છે. તેમાં નવી ઇલેક્ટ્રો-મેકેનિકલ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ સિસ્ટમને ટ્રેનના સમયપત્રક સાથે કનેક્ટ કરવામાં આવી છે. આથી, ટ્રેન પસાર થયા પછી જ આ પુલને ઊભો કરવામાં આવે છે. જ્યારે મોટા જહાજ પસાર થાય છે, ત્યારે પુલને ઉપર ઉચકવામાં આવે છે.